તેજસ દવે, મેહસાણા: મહેસાણાનું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર એવું મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ માટે યાત્રીઓને હવે થોડું મોઘું પડશે. પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવાસન સ્થળના ટીકીટ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, તેની સામે મોઢેરા સૂર્ય મંદિરમાં પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓના અભાવથી પ્રવાસીઓ પણ નારાજ છે. તો મધ્યમવર્ગી માટે આ પ્રવાસન સ્થળ મોઘું સાબિત થઇ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાનું પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આ પ્રવાસન સ્થળમાં પ્રવેશ માટે હવે રૂ.૧૫ ની જગ્યાએ રૂ.૨૫ ની ટીકીટ લેવી પડશે. ૧૯૯૬ માં અહી પ્રવેશ માટે માત્ર રૂ.૫ રાખવામાં આવ્યા હતા. જે વર્ષ ૨૦૧૬ માં વધારીને રૂ.૧૫ કરવામાં આવ્યા હતા. જે હવે ગત ઓગસ્ટ માસથી રૂ.૧૫ થી વધારીને રૂ.૨૫ કરવામાં આવ્યા છે. જે મધ્યમવર્ગી પ્રવાસીઓ માટે મોઘી સાબિત થઇ શકે છે. તો વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે રૂ.૨૦૦ હતા જે હવે રૂ.૩૦૦ ચુકવવા પડશે.


મોઢેરા સૂર્યમંદિરે આવતા પ્રવાસીઓ દુર દુરથી આવતા હોય છે. જેમના માટે પીવાના પાણીની અને ટોઇલેટની સારી સગવડ હોવી પણ જરૂરી છે. પરંતુ, અહી આવતા પ્રવાસીઓ પણ ફરિયાદ કરી રહ્યા છે કે, અહી પીવાનું પાણી અને ટોઇલેટ સુદ્ધાની સારી વ્યવસ્થા નથી. ત્યારે વિદેશી પ્રવાસીઓ માટે સારા ફૂડ કે ખાણીપીણી ની વ્યવસ્થા પણ કાઈ જ નથી. તો કેવી રીતે આ પ્રવાસન સ્થળને વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષી શકાય તે પ્રશ્ન છે. 


આમ, એક તરફ સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિરના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ, પર્યટકોને પુરતી સુવિધા તો મળતી નથી ત્યારે તે જ પર્યટકોને પ્રવેશવા માટે પણ હવે રૂ.૨૫ ની ટિકિટ ખર્ચ કરવી પડશે તે ચોક્કસ છે. ત્યારે અહી આવતા પર્યટકો માંગ કરી રહ્યા છે કે, ટીકીટ ના પૈસા ભલે વધુ લો, પરંતુ સારી સગવડ તો આપો...


સૂર્યમંદિર એ આપણો ઐતિહાસિક વારસો છે અને આ વારસાથી દરેક નાગરિક પરિચિત થાય તે ખૂબ જરૂરી છે.પરંતુ સરકારી તંત્ર દ્વારા સૂર્યમંદિર નિદર્શન નો દર 150 ટકા વધારી દેવાયો છે.તેની સામે સુવિધા શૂન્ય છે. ત્યારે વધેલા દર ની સાથે સુવિદ્યા પણ વધે તેવી પ્રવાસીઓ એ માગ કરી છે.