ગાંધીનગર: ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત મહિસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ અને ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થશે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં હવામાન વિભાગના નિયામક ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ કારણોસર અત્યાર સુધીમાં કુલ ૪૫ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે રૂ. ૧૦૮ લાખની રકમ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૩૨૪ પશુમૃત્યુના કિસ્સામાં રૂ. ૨૫ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ભારે વરસાદવાળા પાંચ તાલુકાઓમાં ૮,૪૩૫ વ્યક્તિઓને કેશડોલ પેટે રૂ. ૯ લાખથી વધુની સહાય, ૫૬૨ વ્યક્તિઓને ઘરવખરી પેટે રૂ.૬ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે અંશત: નાશ પામેલ કાચા મકાન માટે ૧૯૫ કેસમાં રૂ. ૯ લાખથી વધુ, અંશત: નાશ પામેલ પાકા મકાન માટે ૬૩ કેસમાં રૂ. ૪ લાખથી વધુ, ૩૪ કેસમાં ઝૂંપડા સહાય માટે રૂપિયા એક લાખથી વધુ, સંપૂર્ણ નાશ પામેલ કાચા મકાન માટે ૩૪ કેસમાં રૂ.૫ લાખથી વધુ, સંપૂર્ણ નાશ પામેલ પાકા મકાનના ૩ કેસમાં રૂપિયા ૧,૫૩,૦૦૦ ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ-૨૦ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી સોનગઢ(તાપી), વલસાડ, ઓલપાડ (સુરત), નવસારી, પાલનપુર(બનાસકાંઠા), જેતપુર(રાજકોટ), ઉના (ગિર-સોમનાથ), અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગોધરા(પંચમહાલ), દાહોદ, લુણાવાડા (મહિસાગર), મોડાસા(અરવલ્લી) ખાતે ૧-૧ ટીમ  જ્યારે જારોડ કેમ્પ (વડોદરા) ખાતે ૨ ટીમ તેમજ ગાંધીનગર હેડકવાર્ટર ખાતે ૪ ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. રાજ્યના તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. હાલમાં રાજ્યમાં એક નેશનલ હાઇવે, એક સ્ટેટ હાઇવે અને ૨૫ જિલ્લા-સ્થાનિક માર્ગો બંધ છે જેને શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.


આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર, કૃષિ, સિંચાઇ, પશુપાલન, આરોગ્ય ઉપરાંત હવાઇદળ, એનડીઆરએફ, એસ.ડી.આર.એફ. અને પોલીસ દળ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા વિષે માહિતી આપી હતી.