નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી :દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમ પ્રશાસન દ્વારા ડેમના દરવાજા ફરી ખોલાયા છે. ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તાપીનુ પાણી ફરી વળ્યું છે. તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી બે કાંઠે વહેતી થઈ છે. આવા સમયે તાપી નદીના અદભુત ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 334.71 છે, જ્યારે ડેમનુ રૂલ લેવલ 335 છે. રૂલ લેવલ મેટઈનટેઈન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.



ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.88 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદીમાં પાણી છોડાતા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેથી અડાજણની રેવાનગર ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડામાં પાણી ઘૂસ્યા છે. ઝૂંપડામાં પાણી ઘૂસવાથી 50 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો સુરત ફાયર અને પાલિકાની ટીમ સ્ટેન્ડબાય મૂકાઈ છે. તાપીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. 



તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી આઉટફ્લો 1.88 લાખ ક્યુસેક પાણી છે. પાણીને કારણે કોઝવેની સપાટી 9.30 મીટરે પહોંચી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. આથી નદી કાંઠે રહેતા 15 ઝૂંપડાવાસીઓનું સ્થળાંતર કરાયું છે.