હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12  જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હળવદ ખાતે ઘટનાસ્થળની મુલાકાત લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વળતરની જાહેરાત
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમઓ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ મૃતકના વારસદારને 2 લાખ રૂપિયા અને પ્રત્યેક ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube