મોરબી :મોરબી પુલ હોનારતમાં મૃત્યુઆંક 135 પર પહોંચ્યો છે. આ ઘટનામાં બે લોકો લાપતા હોવાથી હજુપણ રેક્સ્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ અનેક લોકો સારવાર લઈ રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદીએ મોરબીમાં ઘટના સ્થળ, સિવિલ હોસ્પિટલની તથા મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારે મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા પુલનો વધુ એક હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. મોરબીમાં જ્યારે ઘટના બની હતી, ત્યારે સૌથી પહેલા સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકોએ પુલના ભારે કાટમાળને પલટાવીને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં કેટલાક લોકો ‘પલટાવે છે પલટાવે છે’ તેવી બૂમો પાડી રહ્યાં છે. આ બાદ બધાએ સાથે મળીને જોર લગાવ્યો હતો, અને પુલના તૂટેલા ભાગને પલટાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો કેટલાક સ્થાનિકોએ બનાવ્યો હતો, અને વાયરલ કર્યો હતો. જે બતાવે છે કે સૌથી પહેલા કેવી રીતે સ્થાનિકો મદદે આવી પહોંચે છે. 



રવિવારની સાંજે અંદાજે 6.30 વાગ્યાની આસપાસ ઝુલતો પુલ તુટી પડ્યો હતો. જેના બાદ અફરાતફરી મચી ગઈ હતી. બચાવકાર્યની ટીમ આવે તે પહેલા જ લોકોએ રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરી હતી. દોરડાની મદદથી ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢ્યા હતા.