મોરબીમાં મોતનું માતમ અને સ્મશાનની સ્થિતિ જોઈને ZEE24કલાકના રિપોર્ટર પણ રડી પડ્યા
આ ઘટનાનો ચિતાર મેળવવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. અમારી ટીમ જ્યારે મોરબીના એક સ્મશાન ગૃહમાં પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અમારા રિપોર્ટર પોતે પણ રડી પડ્યાં.
નિધિ પટેલ, મોરબીઃ રવિવારે બપોર સુધી બધુ જ સામાન્ય હતુ પણ એકાએક સાંજ પડતાની સાથે મોરબીમાં મોતનું માતમ શરૂ થયું. ચારેય તરફ બચાઓ બચાઓની બુમો અને ચિચિયારીઓ સંભળાતી હતી. જોત જોતામાં અનેક જિદંગીઓ મોતને ભેટી ગઈ. ઝૂલતા પુલ પર ઝુલવાની મજા માટે ગયેલાં અનેક લોકો પુલ તુટવાને કારણે મચ્છુ નદીમાં પડ્યાં અને મોતને ભેટ્યાં. ઝી24કલાકના સંવાદદાતા નિધિ પટેલ જ્યારે આ ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે સ્થળ પર પહોંચ્યાં તો એક તરફ હજુ પણ બચાવ કાર્ય અને નદીમાં લોકોની શોધખોળ ચાલુ હતી. બીજી તરફનો રસ્તો સ્મશાન તરફ જઈ રહ્યો હતો.
આ ઘટનાનો ચિતાર મેળવવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. અમારી ટીમ જ્યારે મોરબીના એક સ્મશાન ગૃહમાં પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અમારા રિપોર્ટર પોતે પણ રડી પડ્યાં. સ્મશાન ગૃહમાં એ જ સમયે આ ઘટનામાં મૃત્યુ પામેલાં એક બાળકને અગ્નિદાહ અપાઈ રહ્યો હતો. હજુ તો બીજી બાજુ નજર કરીએ ત્યાં ઉપરાંઉપરી આ ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોના મૃતદેહો અંતિમવિધિ માટે સ્મશાનમાં લવાઈ રહ્યાં હતાં. આ દ્રશ્યો જ એટલાં કરુણ હતાં કે અહીં ઉભેલાં સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. અમારા પત્રકાર પણ પોતાના સંવેદનાઓને રોકી શક્યા નહોંતા. તેમણે ભાવુક થઈને ભીની આંખોએ આ સમગ્ર ઘટનાનો ચિતાર દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કારણકે આ પરિસ્થિતિમાં આ પણ એક હિમ્મતનું કામ હતું.
જોતજોતામાં મોરબી શહેરમાં જાણે કે માતમનો માહોલ છવાઈ ગયો હતો. એક પ્રકારે જાણેકે, આખું શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. જેના સ્વજનો આઘટનામાં મૃત્યુ પામ્યાં તેની સાથો-સાથ મોરબીના અન્ય લાકો પણ એટલાં જ ભાવુક જોવા મળ્યાં. અહીં હાર સૌ કોઈના ચહેરા પર દુઃખ હતું સૌ કોઈની આંખો નમ હતી. સ્થિતિ એવી સર્જાઈ હતીકે, એ સમયે અહીંનો દરેક રસ્તો જાણે સ્મશાન તરફ જઈ રહ્યો હતો. કારણકે અહીંના મોટાભાગના લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં હતાં. સ્મશાન ગૃહ હોય કે કબ્રસ્તાન મોરબીમાં આજે દરેક ધર્મ-મજહબના લોકો ઘેરા શોકમાં ગરકાવ હતાં.
ત્યારે ઝી24કલાકના પત્રકારે ભીની આંખો પરંતુ બુલંદ અવાજ અને મક્કમ નિર્ધાર સાથે સવાલ ઉઠાવ્યાં હતા કે આખરે આ ઘટનામાં દોષિતોને સજા ક્યારે મળશે? આ ઘટનામાં જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે? આ ઘટનામાં જવાબદાર સંચાલન કંપનીના સંચાલકો ક્યાં ગાયબ છે? પુલ તુટવાને કારણે આટલા લોકોના મોત થયા છતાં બ્રિજનું સંચાલન કરતી કંપનીના પેટનું પાણી પણ કેમ હાલતું નથી?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube