મોરબીઃ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. મોરબીમાં બનેલી આ ઘટનાને સાંભળતા જ આજે પણ લોકોના રૂંવાડા ઉભા થઈ જાય છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓના મોક્ષાર્થે સમાજ સેવકો દ્વારા ભાગવન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સપ્તાહની પૂર્ણાહુતિ સમયે દિવંગત આત્માઓના મોક્ષાર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો પણ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ ગોજારો દિવસ
30 ઓક્ટોબર 2022નો દિવસ મોરબી ક્યારેય ભૂલી શકશે નહીં. મોરબીમાં આવેલો પ્રતિષ્ઠિ ઝૂલતો પુલ આ દિવસે તૂટી ગયો હતો અને તેમાં 135 લોકોના મૃત્યુ થયા હતા. દેશ સહિત વિદેશમાં પણ આ ગંભીર ઘટનાની નોંધ લેવામાં આવી હતી. આજે મોરબી દુર્ઘટનાને એક વર્ષ થયું છે. ત્યારે શહેરના સમાજ સેવકો દ્વારા મૃતક લોકોની આત્માને શાંતિ મળે તે માટે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું આયોજન મોરબીના સમાજ સેવક જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથા યોજવામાં આવી હતી. તા 24થી શરૂ કરવામાં આવેલ આ કથાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે કથા મંડપમાં દિવંગત આત્માઓના પરિવારજનો સહિતના લોકોની હાજરીમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી માતાજી તેમજ કથાકાર રત્નેશ્વરીદેવી સહિતના લોકો જોડાયા હતા અને દિવંગત આત્માઓના મોક્ષર્થે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ દુલ્હનની જેમ સજાવાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું SOU


ઐતિહાસિક પુલ તૂટી પડ્યો...
મોરબીની આન, બાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝૂલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું. ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી ગત વર્ષે નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે તા 30 ઓક્ટોમ્બરે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે આવેલા માસુમ બાળકો, સગર્ભા મહિલા, યુવકો, યુવતીઓ, વૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે સીધા જ નદીમાં પટકાયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે અને પથ્થર ઉપર માથા અથડાવાના કારણે ઘટના સ્થળે છે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. અને કુલ મળીને 135 લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે જેમાં 50 જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.


આ જગવિખ્યાત દુર્ઘટનામાં હજુ મુખ્ય આરોપી કોણ ?, મોરબી પાલિકાની જવાબદારી શું ?, જો પાલિકાની કોઈ ભૂમિકા નથી તો ચીફ ઓફિસરને કેમ સસ્પેન્ડ કર્યા ? અને પાલિકાને કેમ સુપરસીડ કરી ? આવા અનેક સવાલો ઊભા જ છે તેની સાથો સાથ જે કરાર કર્યો હતો તેમાં કલેક્ટર, ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. કંપનીની સહમતિ હતી. તો જવાબદાર માત્ર જયસુખભાઇ અને ઓરેવા કંપની જ કેમ તે પણ સવાલ આજની તારીખે મોરબીવાસીઓના મનમાં ઉઠી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube