અમદાવાદઃ મોરબીનાં ઝૂલતા પુલની દુર્ધટના કેસમાં હાઈકોર્ટે મોરબી નગરપાલિકાનો ઉધડો લીધો. પાલિકા અત્યાર સુધી પોતાની જે બેદરકારીને જાહેરમાં સ્વીકારતા ખચકાતી હતી, તેને હાઈકોર્ટ સમક્ષ સ્વીકારી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે મોરબીના ઝૂલતા પુલની કરુણાંતિકા ભૂલાઈ રહી છે. જો કે અરજદારોની અરજી બાદ હાઈકોર્ટે આ દુર્ઘટનાની ગંભીર નોંધ લીધી છે. સાથે જ તંત્રનો ઉધડો લીધો છે. મોરબી નગર પાલિકા અત્યાર સુધી દુર્ઘટનામાં પોતાની જવાબદારી સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરતી હતી. જો કે હાઈકોર્ટના સખ્ત વલણની સામે પાલિકાએ સત્ય સ્વીકારવું પડ્યું. મોરબી નગરપાલિકાએ કોર્ટ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં સ્વીકાર્યું કે ઓરેવાએ પાલિકાની મંજૂરી કે ફિટનેસ સર્ટિફિકેટ વિના જ ઝૂલતો પુલ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો.


મોરબી નગરપાલિકાની આ કબૂલાત તેની જીવલેણ બેદરકારી છતી કરે છે. પાલિકાએ સમારકામ બાદ ઝુલતા પુલની મજબૂતી ચેક કરવાનું જરૂરી ન માન્યું, ઓરેવા કંપનીના સંચાલકોને પણ પુલ ખુલ્લો મૂકતા પહેલા પાલિકાની મંજૂરી લેવાનું કે પુલનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું યોગ્ય ન લાગ્યું. નવા વર્ષના દિવસે ઝુલતો પુલ ખુલ્લો મૂકીને ઓરેવાને દિવાળીની રજાઓમાં બને એટલું કમાઈ લેવું હતું...જેની કિંમત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવીને ચૂકવવી પડી.


આ પણ વાંચો- Elections 2022: ત્રણેય પાર્ટીના 182 બેઠકોના ઉમેદવારોની સંપૂર્ણ યાદી, જુઓ એક ક્લિકમાં


મોરબી પાલિકાની બેદરકારી અહીં જ અટકતી નથી. 2017માં પાલિકા અને ઓરેવા વચ્ચે ઝુલતા પુલના સંચાલન માટેનો કરાર પૂરો થયો હતો. આ કરારને રિન્યૂ કર્યા વિના જ ઓરેવાએ ત્રણ વર્ષ સુધી ઝુલતા પુલનું સંચાલન કર્યું અને મોરબી પાલિકાના સત્તાધીશો મૂકદર્શક બનીને તમાશો જોતા રહ્યા.


હાઈકોર્ટે એ સવાલ પણ ઉઠાવ્યો છે કે મોરબી પાલિકાએ ટેન્ડર કે જનરલ મીટિંગમાં ઠરાવ કર્યા વિના જ કેવી રીતે ઓરેવાને પુલનું સંચાલન સોંપી દીધું. માર્ચ 2022માં ઓરેવાએ પુલનું સમારકામ પોતાના હાથમાં લીધું એ પહેલા પુલ જર્જરિત હતો, છતા પાલિકાએ જનતાને તેનો ઉપયોગ કરવા દીધો.


તો આ તરફ કોંગ્રેસે મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારો માટે એક કરોડ રૂપિયાનાં વળતરની અને સમગ્ર કેસની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ પાસે કરાવવાની માગ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube