મોરબી: મોરબીની દુર્ઘટના ઈતિહાસના પાનાઓમાં કાળા દિવસ તરીકે અંકિત થઈ ચૂકી છે, આ દુર્ઘટનાને તો ક્યારેય સપનામાં પણ ભૂલી શકાય તેમ નથી. પરંતુ આ દુર્ઘટનામાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે (2 નવેમ્બરે) રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે એક દિવસ રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી હતી. જેથી આજે દરેક સરકારી ઈમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યમાં વિવિધ જગ્યાએ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત મોરબીમાં બપોરે 12.00 વાગે મૌન રેલી કાઢવામાં આવશે. મોરબીનાં સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોએ આજે એક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 


રાજકીય શોક શું હોય છે અને જાણો તેનો નિયમ?
જ્યારે રાજ્ય સરકાર એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરે છે, ત્યારે તેને રાજકિય શોક કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે સમગ્ર દેશમાં શોક જાહેર કરવામાં આવે છે, ત્યારે તેને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. 


ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો પ્રમાણે, રાજ્યના શોક દરમિયાન દરેક સરકારી ઈમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.


ઉલ્લેખનીય છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાનાં કેસમાં ચાર આરોપીઓના શનિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બાકીનાં પાંચ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ હવાલે કરાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube