હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના રાજપર રોડ પર થોરાડા પાસે એક કાર વીજપોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઝારખંડના સાહેબલાલ અને તેમના પત્ની મોરબીમાં રહે છે. આ ઉપરાંત મૂળ બિહારનો રંજન મોરબીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને ચાચાપર પાસ આવેલી પોલીપેકની ફેક્ટરીમાં મજૂરના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તમામ લોકો મોરબીના ટંકારામાં રહે છે. ત્રણેય લોકો એસન્ટ કારમાં સવાર થઈને બુધવારની રાતે ટંકારા તરફ આવી રહ્યા હતા, ત્યારે રાત્રે 10.30 કલાકની તેમની કાર થોરાળા ગામના પાટિયા પાસે વીજ પોલ સાથે અથડાઈ હતી. 



આ અકસ્માતમાં પતિ-પત્ની તથા કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. કાર કેવી રીતે વીજ પોલ સાથે અથડાઇ તે અંગે હજુ સુધી કોઇ વિગતો સામે આવી નથી. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાર વળાંકના સમયે વીજ પોલ સાથે ટકરાઈ હોવાનું કહેવાય છે. 


અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલા સાથે અથડાયા બાદ કારનો બૂકડો બોલી ગયો હતો અને પલટી મારી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં થોરાળા ગામના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસને મદદ કરી હતી.