હિમાંશુ ભટ્ટ, મોરબી:  થેલેસેમિયાગ્રસ્ત માસુમ બાળકના ઓપરેશનના ખર્ચને પરિવારજનો પહોચી વળવા તેમ ન હોવાથી યોજવામાં આવ્યો હતો લોક ડાયરો. આ વાત સંભાળીને તમને નવાઈ લાગે પરંતુ મોરબી જીલ્લાના હળવદ શહેરમાં રહેતા વિપ્ર પરિવારના એકના એક બાળકને થેલેસેમિયા હોવાથી તેનું ઓપરેશન કરાવવા જરૂરી છે જો કે, આ ઓપરેશનનો ખર્ચ 35 લાખ રૂપિયા થાય તેમ છે. ખર્ચને પરિવારજનો પહોચી વળે તેમ ન હોવાથી આ વાતની હળવદના યુવાનોને જાણ થતા તેમણે સૌરાષ્ટ્ર ગુજરાતના લોક ડાયરાના જાણીતા કલાકારોનો સંપર્ક કર્યો હતો. ફરીદા મીર સહિતના કલાકારો વ્હારે આવ્યા હતા અને લોકો ડાયરામાં જમાવટ કટી દેતા ખુશ પંડ્યાની સારવાર માટે હળવદ પંથકના લોકો લોક ડાયરામાં વરસી પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા કરો ક્લિક- VIDEO: માસૂમ હર્ષની જિંદગી બચાવવા ડાયરાનું આયોજન, થયો પૈસાનો વરસાદ


મોરબી જીલ્લાના હળવદ શહેરમાં એક લોક ડાયરો યોજવામાં આવ્યો હતો જો કે, જાણીને નવાઈ થશે કે, મોટાભાગે ધાર્મિક લાભાર્થે જ લોક ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશનના લાભાર્થે લોક ડાયરાનું આયોજન મોરબી જીલ્લાના હળવદ ખાતે કરવામાં આવ્યું હતું.  હળવદમાં રહેતા ખુશ પંડ્યા નામના માસૂમ બાળકને મેજર થેલેસેમિયા હોવાથી તેનું ઓપરેશન કરાવવું પડે તેમ છે. પરંતુ 35 લાખ જેટલો ખર્ચ થાય તેમ હોવાથી કર્મકાંડ કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા ખુશના પિતા ચંદ્રકાંતભાઈ આ માતબર રકમનું ખર્ચ કરી શકે તેમ ન હતા. આથી હળવદ યુવા ગ્રુપ દ્વારા ખુશની સારવાર માટે લોક ડાયરો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર ફરીદાબેન મીર, હકાભા ગઢવી, ભરતદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. લોક ડાયરામાં એક પછી એક ભજન સહિતના સાહિત્યની જમાવટ કરવામાં આવતા ખુશના ઓપરેશન માટે લોકો વરસી પડ્યા હતાં.


હળવદના ગિરનારીનગરમાં રહેતા ચંદ્રકાન્તભાઈને સંતાનમાં એક માત્ર દિકરો જ  છે જેનું નામ ખુશ છે પરંતુ તે ખુશ રહી શકતો નથી કેમ કે, ખુશને થેલેસેમિયા મેજરની ગંભીર બીમારી લાગુ પડતા ખુશની જિંદગી બચાવવા માટે પરિવારને હાલમાં દરમહીને 10,000નો ખર્ચ કરવો પડે છે જો કે, ખુશને આ બીમારીમાંથી કાયમી મુક્તિ મળે તે માટે મુંબઈની એક હોસ્પીટલમાં તેનું ઓપરેશન કરાવવાનું છે જેનો ખર્ચ 35 લાખ થાય તેવી શક્યતા છે.  સરકાર તરફથી ખુશના ઓપરેશન માટે 20 લાખ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાંથી મળતા હોવા છતાં બાકીની રકમ પંડ્યા પરિવાર કોઇપણ રીતે પૂરી કરી શકે તેમ ન હતો. જો કે, સારા કામમાં સહુ કોઈ ભાગીદાર થાય તે ઉક્તિને સાર્થક કરતા હળવદના યુવાનો દ્વારા માત્ર મનોરંજન માટે નહીં પરંતુ ખુશના ઓપરેશન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ફરીદાબેન મીર સહિતના તમામ કલાકારો એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ડાયરામાં આવ્યા હતા આટલું જ નહિ મોટાભાગના કલાકારોએ પણ ખુશની સારવાર માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આર્થિક સહયોગ પંડ્યા પરિવારને કર્યો  હતો.


અત્રે એ વાત પણ ઉલેખનીય છે કે હાલમાં થેલેસેમિયા મેજરની બીમારીથી પીડાઈ રહેલા ખુશને મોટા થઈને ડોક્ટર બનવાની ઈચ્છા છે જે પૂરી કરવા માટે પરીવારજનો અને આર્થિક સહયોગ આપનારા દાતાઓ કોઈ કસર છોડવા માંગતા નથી.