મોરબી : અંગત અદાવતમાં કરાયેલ ફાયરિંગ માસુમ બાળકનો ભોગ લેવાયો
આ ફાયરિંગમાં અંગત અદાવત માટે કોન્ટ્રાક્ટ કિલરનો ઉપયોગ કરાયાની ચર્ચા છે. તેમજ 15 રાઉન્ડ ફાયરિંગ થયાનો અંદાજ છે.
મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગઈકાલે અંધાધૂંધ ફાયરિંગ કરાયું છે. અંગત અદાવતમાં કરાયેલા ફાયરિંગમાં બેથી ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. પરંતુ 13 વર્ષના એક માસુમ બાળકનો ભોગ લેવાયો છે.
મોરબીના કલિકા પ્લોટમાં ગઈકાલે સાંજે બાઈક પર આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ આરીફ ગુલામ મીર નામના યુવક પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં નાસભાગ મચી ગઈ હતી. અગાઉ આરીફ મીરના ભાઈ મુસ્તાક મીરની ફાયરિંગ કરીને હત્યા કરવામા આવી હતી. જેને લઈ કેટલાક શખ્સો આરીફ મીર પર પણ ફાયરિંગ કરવા કાલિકા પ્લોટ વિસ્તારમાં આવ્યા હતા. જો કે તે દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરતા ત્યાં રમી રહેલા બાળકને ગોળી વાગી હતી. જેમાં વિશાલ બાંભણિયા નામના બાળકને ગોળી વાગી હતી. આ ગોળીબારમાં આરીફ ગુલામ મીર, ઈમરાન સુમરા, સિપચા માંકડને ઈજા પહોંચી હતી.
આ ફાયરિંગમાં અંગત અદાવત માટે કોન્ટ્રાક્ટ કિલરનો ઉપયોગ કરાયાની ચર્ચા છે. તેમજ 15 રાઉન્ડ ફાયરિંગ થયાનો અંદાજ છે.
વિશાલને રાજકોટ સારવાર માટે લઈ જવાયો હતો. જોકે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફાયરિંગ કરવા આવેલા શખ્સોમાંથી એક શખ્સને સ્થાનિકોએ પકડીને માર્યો હતો. જેમાં તેને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો. ગુસ્સાયેલા સ્થાનિકોએ એમ્બ્યુલન્સ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. હાલ વિશાલ નામના નિર્દોષ બાળકનું મોત થતા પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આરોપીઓને પકડવામા નહીં આવે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.
ફાયરિંગ બાદ સ્થાનિકોએ પોલીસ સ્ટેશન પાસે તોડફોડ કરી હતી. જે બાદ પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ચારેબાજુ નાકાબંધી કરીને બાઈક પર નાસેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.