મોરબી પુલ દુર્ઘટના: ચીચીયારીઓથી ગુંજી ઉઠી અનેક હોસ્પિટલો, ખૌફનાક દ્રશ્યો, લાશોના ઢગલા...
મોરબીમાં ઝૂલતા પુલ પર બનેલી દુર્ઘટના બાદ અનેક એમ્બ્યુલસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વારા ફરથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો છે.
મોરબી: આજે ફરી મોરબીમાં ઝૂલતા પુલ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 91 લોકોના મોત થયા છે, હજુ મૃત્યુંઆંક વધી શકે છે.
આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ચૂક્યા છે અને તેઓ સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પુછી રહ્યા છે.
મોરબીમાં ઝૂલતા પુલ પર બનેલી દુર્ઘટના બાદ અનેક એમ્બ્યુલસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વારા ફરથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે. હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે. બીજી બાજુ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. ત્યારે 5 ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે.
આ પણ જુઓ વીડિયો:-
આ ઘટનામાં બાદ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટની અંદરના દ્રશ્યો ખૌફનાક ભાસી રહ્યા છે. ક્યાંક દર્દથી લોકો કણસી રહ્યા છે, તો ક્યાંક ચીસો પાડી રહ્યા છે તો ક્યાંક મૃતદેહોની લાઈનો લાગી છે. સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા, મૃતદેહોમાં સગા વ્હાલાઓ ખાટલે ખાટલે ફરીને પોતાના પરિવારની ઓળખ કરી રહ્યા છે. બીજી બાજુ અમુકના પરિવારો હજુ પણ લાપતા છે. રેસ્ક્યૂ ટીમ પાણીમાં તેમની શોધખોળ હાથ ધરી રહી છે.
કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.