હિમાશું ભટ્ટ/મોરબી: શનાળા રહેતા પટેલ પરિવારમાં સસરાએ પુત્રવધૂનું કન્યાદાન કરીને સમાજ માટે એક ઉદાહરણ પુરું પાડ્યું છે. આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, કોરોના કાળમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે ત્યારે શનાળા ગામે રહેતા પટેલ પરિવારે તેમનો જુવાનજોધ દીકરાને ગુમાવ્યો હતો. ત્યારબાદ પુત્રવધૂને આજીવન હેરાન થવું ન પડે તે માટે સસરાએ તેની પુત્રવધુના લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો અને સારા પાત્રની શોધ શરૂ કરી હતી. ત્યારપછી મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનની સાથે પુત્રવધૂના લગ્ન કરાવ્યા છે અને એટલું જ નહીં પુત્રવધુ તેમજ પૌત્રી આજીવન હેરાન ન થાય તે માટે આર્થિક ફંડની વ્યવસ્થા પણ સસરાએ એક પિતા બનીને કરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહી પણ 4 પરિવાર જોડાયા હતા. ખુદ સસરાએ જ પુત્રવધૂના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, પુત્રવધૂ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે મોટી રૂ 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના કાળ દરમિયાન ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા છે, ત્યારે ખાસ કરીને જો કોઈ પરિવારની અંદર ઘરના મોભી અથવા તો ઘરના કમાવનાર વ્યક્તિ ઝપટે આવ્યા હોય તો તે પરિવાર આધાર વિહીન થઈ જતો હોય છે અને નિરાધાર બની જતો હોય છે. આવી ઘટનાઓ ઘણી બધી જગ્યાએ બને છે. તેવામાં મોરબીના શનાળા ગામે રહેતા નિવારુત નાયબ મામલતદાર નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયાના દીકરા નિપુલને કોરોના થયો હતો અને કોરોનામાં તેઓએ જુવાનજોધ દીકરાને બીજી લહેરમાં ગુમાવ્યો હતો.


ત્યારબાદ તેની પુત્રવધૂ ચંદ્રિકા અને તેમની પૌત્રી દિશાલી આ બંનેની લાંબી જિંદગીને ધ્યાનમાં રાખીને ચંદ્રિકાના લગ્ન કરાવી આપવાનો મનમાં નિર્ધાર કર્યો હતો, અને પૌત્રવધુ ચંદ્રિકાના પિતા બનીને નરભેરામભાઇએ તેના માટે સારા પાત્રની શોધ શરૂ કરી હતી અને તે શોધના અંતે મોરબી નજીક મહેન્દ્રનગર ગામે રહેતા રેવાભાઇ કુંવરજીભાઈ બાપોદરિયાનો દીકરો જીતેન્દ્ર કે જેના પત્નીને કેન્સરની બીમારી હોવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. તેના સાથે ચંદ્રિકાનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો અને તેમના લગ્ન પણ સમાજના આગેવાનો અને પરિવારના સભ્યોની હાજરીમાં કરાવી આપવામાં આવ્યા છે.


એટલું જ નહીં પરંતુ નરભેરામભાઇએ પુત્રવધુ ચંદ્રિકાબેન તેમજ પૌત્રી દિશાલીની લાંબી જિંદગીને ધ્યાનમાં રાખીને તે લોકોની સલામતી માટે બેન્કની આર્થિક રીઝર્વ ફંડ પણ મૂકી આપ્યું છે. જે તેઓને ભવિષ્યમાં કામ આવશે અને આજીવન કયારે પણ ચંદ્રિકા તેમજ દિશાલીને જયારે પણ જરૂર પડે ત્યારે પિતા બનીને ઊભા રહેવાની તૈયારી નરભેરામભાઇએ દર્શાવી છે. 


સમાજ માટે નવી દિશા ચિંધનાર આ લગ્ન પ્રસંગ દરમિયાન મોરબી-માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો. મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ ફૂલતરિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ પહેલને બિરદાવી હતી અને તેમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube