Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : હવે મોરબી નામ સાંભળો અને નજર સામે તૂટેલો ઝુલતો પુલ અને મોતના મલાજા તરી આવે છે. આવા દિવસો ભગવાન ફરી ન બતાવે. મોરબી બ્રિજ તૂટવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં મોરબીમાં વધુ એક ગોઝારી ઘટના બનતા રહી ગઈ. સ્કૂલ બસમાં બેસેલા વિદ્યાર્થીઓને બચાવવા જાણે ભગવાન આવ્યા હોય તેવુ લાગ્યું. મોરબી જિલ્લાના ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે પ્રવેશદ્વાર બનાવ્યો હતો. આ પ્રવેશદ્વાર ધડાકાભર બપોરે તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે બપોરે ટંકારાના માર્ગ ઉપર અવરજવર ઓછી હતી, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ જો આ ગેટ ત્યાંથી પસાર થઈ રહેલ ખાનગી સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો ગોઝારો અકસ્માત સર્જાત તેવું ગામનું લોકોનું કહેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં આવેલ ઝુલતો પુલ તાજેતરમાં જ તૂટી પડ્યો હતો, જેમાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના પડઘા ન માત્ર મોરબી કે ગુજરાત, પરંતુ સમગ્ર ભારત દેશમાં પડ્યા છે. આ ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી અને જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તેની આંખના આંસુ સુકાયા નથી, ત્યાં આજે વધુ એક દુર્ઘટના મોરબી જિલ્લાના ટંકારામાં બનતા સહેજમાં રહી ગઈ. 


ટંકારાના ઉગમણા નાકા પાસે હેમંતભાઈના સ્મરણાર્થે તેમના દીકરા અને ભત્રીજાઓ દ્વારા પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો. આજે બપોરના સમયે આ ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે આ ગેટ તૂટી પડ્યો ત્યારે ત્યાં નીચેથી કોઈ વ્યક્તિ પસાર થતી ન હતી. જેથી કરીને જાનહાનિ કે ઈજાનો બનાવ બન્યો નથી. પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગેટ તૂટી પડ્યો તેની ગણતરીની સેકન્ડ પહેલા જ ત્યાંથી બે ખાનગી સ્કૂલની બસ પસાર થઈ હતી અને જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોઝારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સાત મહિના પહેલા બનાવવામાં આવેલ ગેટ તૂટી પડ્યો છે, ત્યારે અન્ય જોખમી બાંધકામોનો પણ સર્વે કરીને મોરબી જિલ્લામાં વહેલામાં વહેલી તકે જોખમી બાંધકામોને હટાવી લેવામાં આવે તેવી ટંકારાના લોકોની માંગ છે.