મોરબીઃ મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કૌભાંડ સામે આવ્યા પછી છેલ્લાં થોડાક સમયથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી એ ડિવિઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરતાં રાજકારણ ગરમાયું છે. જેમાં વિધાનસભામાં કૌભાંડ બાબતે રજૂઆત ન કરવા માટે 40 લાખ માંગ્યા હતા. તો 10 લાખ રૂપિયા મજૂર મંડળી પાસેથી અને 25 લાખના ચેક લીધા હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેમની સામે સરકારી નાણાંની ઉચાપતના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળિયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રિનોવેશન કરવાના નામે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની સાંસદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે જ્યારે સરકારની તપાસ ટીમે તપાસ કરી હતી. ત્યારે તેમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. તે સમયે નિવૃત મદદનીશ ઈજનેર સહિત કુલ 4 લોકોની અટકાયત કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરીને ચારેય આરોપીઓને ઝડપીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા 12થી વધુ ગામમાં સ્થળ તપાસ પણ કરી હતી.


પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરાતા મોરબીના ત્રણેય વિધાનસભાના ધારાસભ્ય પોલીસ મથકે પહોંચી ગયા હતા. જો પોલીસ વિભાગ દ્વારા કિન્નાખોરી રાખીને કોંગ્રેસના ધારાસભ્યની સામે પગલાં લેવામાં આવશે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી લલિત કગથરાએ ઉચ્ચારી છે.


પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની મોરબી પોલીસ અને LCBની ટીમે ધરપકડ કરી છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પોતાનો ભ્રષ્ટાચાર છૂપાવવાનું આ મોટું ષડયંત્ર  ગણાવ્યું અને જો આગામી સમયમાં ભાજપ ભ્રષ્ટાચાર ઉજાગર કરતાં ધારાસભ્ય સામે આવું કંઈ કાવતરું કરશે તો કોંગ્રેસ તેનો આક્રમકતાથી વિરોધ કરશે.