હિમાંશુ ભટ્ટ/મોરબી :વર્તમાન સમયમાં ઘણી વખત યુવતીઓ અને તેના પરિવારજનોએ કલ્પના પણ ન કરી હોય તેવા બનાવો બનતા હોય છે. આવા સમયે યુવતી પોતે આત્મનિર્ભર બનીને આત્મરક્ષણ કરી શકે તે જરૂરી છે. જેથી મોરબીના એક નાનકડા ગામે મોટો પ્રયાસ હાથ ધર્યો છે. ગુજરાત પ્રાંતીય આર્ય વીરાંગના દળ દ્વારા મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી વિદ્યાલય ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવતીઓને રાઈફલ શુટિંગ, લાઠી બાજી, તલવાર બાજી, છૂરા બાજી સહિતની તાલીમ આપવામાં આવી રહી છે. જેથી કરી કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં યુવતી પોતાનો બચાવ પોતાની જાતે કરી શકે અને તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બને તેવી તાલીમ આ શિબિરમાં આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય પહેલા સુરતમાં જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. તે સમયે ગ્રીષ્મા પોતાનો બચાવ કરી શકી ન હતી. તેવી જ રીતે આ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેતલસરમાં યુવતીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવતીઓ સાથે તેમજ મહિલાઓ સાથે દુષ્કર્મ અને અન્ય અનેક એવી ઘટનાઓ છેલ્લા કેટલા વર્ષની અંદર સામે આવી છે. જેથી યુવતીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બનીને આત્મરક્ષણ કરી શકે તેવી તાલીમ લેવી અનિવાર્ય બની છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. તેથી મોરબીમાં સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી વિદ્યાલય ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રાંતીય આર્ય વીરાંગના દળના સહકારથી ગુજરાત કક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા


આ શિબિરમાં મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર, કચ્છ, આણંદ, અમદાવાદ સહિતના જુદા જુદા જીલ્લાઓમાંથી અંદાજે અઢીસો જેટલી યુવતીઓ આવી છે અને તેમને હાલમાં દિલ્હીથી આવેલા આર્ય વીરાંગના દળના સંચાલક દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને યુવતીઓને તલવારબાજી, લાઠીબાજી, છૂરાબાજી, કરાટે, રાઈફલ શુટિંગ સહિતની તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથોસાથ ભારતીય સંસ્કૃતિનું પણ જતન થાય તે માટે યજ્ઞ વિધિ અને અન્ય ભારતીય સંસ્કૃતિ વિશેની પણ જાણકારી અને માહિતી આ શિબિર અંતર્ગત આપવામાં આવી રહી છે.


આ શિબિરમાં યુવતીઓને સમૂહમાં રહેવું, સંગઠિત રહેવું તેમજ એકલા હોય ત્યારે કોઈ આપત્તિ આવી પડે તો તેનો સામનો કઈ રીતે કરવો તેના માટે માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આવી શિબિર થકી યુવતીઓ શરરિક અને માનસિક રીતે ખૂબ મજબૂત બને છે તેવું મોરબીની માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણિયાએ જણાવ્યું.