સતત પાંચમા દિવસે બીએસએફનું `સમુદ્ર મંથન`, કોરી ક્રીક પાસેથી વધુ 46 ચરસના પેકેટ મળ્યા
બીએસએફની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કોરીક્રીક પાસેથી 20 પેકેટ મળી આવ્યા હતા તો મરીન ટાસ્ક ફોર્સની ટીમને 5 અને કોસ્ટગાર્ડની ટુકડીને 21 બિનવારસુ ચરસનો કરોડોનો જથ્થો મળી આવ્યો હતો.
રાજેંદ્ર ઠક્કર, ભુજ: કચ્છના સમુદ્રમાંથી ચરસનો પેકેટ મળવાનો સીલસીલ યથાવત છે. સતત પાંચમા દિવસે જુદી જુદી એજન્સીઓને 46 પેકેટ મળ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં ચરસના કરોડો રૂપીયાનો જથ્થો કચ્છના દરીયા કાંઠેથી મળી આવ્યો છે. ગુરુવારે બીએસએફની ટુકડીને કોરીક્રીક પાસેથી 20, કોસ્ટ ગાર્ડની ટીમને 21 અને મરીન ટાસ્ક ફોર્સની ટીમને 5 પેકેટ મળી આવ્યા હતા. તો બુધવારે બીએસએફ અને જખૌ મરીન પોલીસને 17-17 પેકેટ મળ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, કચ્છના દરીયાઇ વિસ્તારમાંથી ચરસના પડીકા મળવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે પણ ત્રણેક દિવસથી 300ની આસપાસ પેકેટ જુદી જુદી એજન્સીઓના હાથે લાગ્યા હતા. જો કે, બુધવારે ચોથા દિવસે બીએસએફ અને જખૌ મરીન પોલીસને 17-17 ચરસના પેકેટ અને પાંચમા દિવસે ગુરુવારે 46 પેકેટ જુદી જુદી એજન્સીને મળ્યા હતા.
બીએસએફની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કોરીક્રીક પાસેથી 20 પેકેટ મળી આવ્યા હતા તો મરીન ટાસ્ક ફોર્સની ટીમને 5 અને કોસ્ટગાર્ડની ટુકડીને 21 બિનવારસુ ચરસનો કરોડોનો જથ્થો મળી આવ્યો હતો. તો મંગળવારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને ચરસના 21 અને પશ્ચિમ કચ્છ પોલીસની ટીમને 150 પેકેટ જખૌના દરીયામાંથી મળી આવ્યા હતા.
રવિવારે 355 અને સોમવારે 396 મળી ત્રણ દિવસમાં કુલ 957 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. અગાઉ રવિવારે જુદી જુદી એજન્સીઓને 355 ચરસના પેકેટ અને સોમવારે 396 પેકેટ એમ કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો કોણ અને કેવી રીતે ફેંકી ગયો તેના સુધી હજુ કોઇ એજન્સી પહોંચી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તાર હોવાથી કચ્છમાં અનેક પ્રકારની હેરાફેરી કરવામાં આવે છે. કચ્છનો સરહદી વિસ્તાર ચરસના સ્મલિંગ માટે પંકાયેલ છે. અહીં અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે. જેથી મરીન પોલીસ પણ હંમેશા સતર્ક રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube