યુક્રેનથી પરત આવ્યા 100 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, કહ્યું-અમારી પાસે ભારતીય ફ્લેગ હોવાથી અમને ક્યાંય ન રોક્યા
યુક્રેનથી હેમખેમ પરત આવેલા એક વિદ્યાર્થીએ કહ્યુ કે, હુ ગર્વ અનુભવુ છુ કે હુ ભારતીય છું. કારણ કે, ભારતીય હોવાને કારણે અમને ત્યાં વધુ તકલીફ ન થઈ અને સરળતાથી ત્યાંથી નીકળી શક્યા
ઝી મીડિયા/બ્યૂરો :યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ત્રીજી બેચ ગુજરાત પહોંચી છે. ગાંધીનગરમાં બસ દ્વારા પહોંચેલા વિદ્યાર્થીઓનું ભાવભીનુ સ્વાગત કરાયુ હતું. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓનુ સ્વાગત કરાયુ હતું. તો બીજી તરફ વિદ્યાર્થીઓને જોઈને માતાપિતા ભાવુક થઈ ગયા હતા, અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ વિદ્યાર્થીઓ બસમાંથી ઉતરતા ગયા, તેમ તેમ માતાપિતા તેમને ભેટીને વળગી પડ્યા હતા. ગુલાબ આપીને તેમનુ સ્વાગત કરાયુ હતું.
કુલ ત્રણ બસ ભરીને વિદ્યાર્થીઓ યુક્રેનથી આવ્યા હતા. જેમાં 107 વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને ગુજરાત પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓ આવ્યા તેમના દરેકના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો. તેઓ યુક્રેનથી બસમાં બેસ્યા ત્યારે પણ તેમના હાથમાં તિરંગો હતો. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો. યુક્રેનથી આવનારા 107 વધુ ગુજરાતી વિધાર્થીઓને 3 બસમાં ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતુ. તો સાથે જ દરેક વાલીઓએ ભીની આંખે સંતાનોનું સ્વાગત કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓના ચેહરા પર ડરની સાથે વતન પરત ફરવાનો આનંદ જોવા મળ્યો હતો. ખૂબ મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. પરત ફરેલા વિદ્યાર્થીઓ ભારતીય હોવાનું ગર્વ અનુભવી રહ્યા છે. સાથે જ કહ્યું કે, અમે ભારતીય હતા માટે જ યુક્રેનમાં સુરક્ષિત હતા.
આ પણ વાંચો : કાઉન્સેલિંગમાં આવેલો બાળક બોલ્યો, ‘મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરું એમાં કઈ ખોટું નથી’
એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે સાત દિવસનો સંઘર્ષ કરીને અમે પરત આવ્યા છીએ. ત્યાં અમને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી. બસની આગળ ભારતનો ધ્વજ લાગ્યો હતો તેથી અમને સરળતાથી જવા દેવાયા હતા. અમે એક દિવસમાં 50 કિમી ચાલ્યા હતા. ત્યાં ટેન્ટ પણ ન હતો, અમે રોડ પર બેસીને ખાવાનું ખાધુ હતું. બીજા દેશના વિદ્યાર્થીઓ પણ ભારતનો ફ્લેગ લગાવીને આગળ જઈ રહ્યા હતા, જેથી તેમને પણ કોઈ તકલીફ ન થાય. કારણ કે, ભારતીય સરકારે મોટી મદદ આપી હતી.
એક વિદ્યાર્થીએ કહ્યુ કે, હુ ગર્વ અનુભવુ છુ કે હુ ભારતીય છું. કારણ કે, ભારતીય હોવાને કારણે અમને ત્યાં વધુ તકલીફ ન થઈ અને સરળતાથી ત્યાંથી નીકળઈ શક્યા.
માતાએ કહ્યુ કેસ, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે મારી દીકરીને સારી રીતે પરત લઈ આવ્યા. કેટલાક માતાપિતાએ એવી ખુશી વ્યક્ત કરી કે, માત્ર અમારો જ દીકરો નહિ, પણ બધાના સંતાનો પાછા આવ્યા તેની અમને ખુશી છે.