નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર રાજ્યના દીર્ઘદૃષ્ટા રાજવીઓએ વેપાર માટે એક ગામથી બીજા ગામ આવતા જતાં લોકોની સુખાકારી અને પોતાની પ્રજાના કલ્યાણ માટે અનેક વાવનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ કાળક્રમે આધુનિક સમયમાં આ તમામ વાવ નામશેષ થવા આવી છે, રખરખાવ અને સ્વચ્છતાના અભાવે આજે ભાવનગર જિલ્લામાં આવેલી 100 થી વધુ અતિપૌરાણિક વાવ ખંડેર બની ચૂકી છે. જો તેને મરામત કરાવીને પુનર્જીવિત કરવામાં આવે તો હાલના ઉનાળામાં સર્જાતી પાણીની વિકટ સમસ્યાને કંઇક અંશે હલ કરી શકાય એમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન પીવાના પાણી માટે વધતી જતી મુશ્કેલીનો હલ કરવા માટે સરકાર ખૂબ ચિંતિત છે. જેથી જુદી જુદી યોજનાઓ થકી પાણીના સંગ્રહ માટે નવા નવા સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યા છે. જેની સામે વાવ એક સારો પર્યાય બની શકે એમ છે. અગાઉ રજવાડા સમયે પીવાના પાણીની સમસ્યાના ઉકેલરૂપે માનવસર્જિત પાણીનો સ્ત્રોત વાવ તરીકે ઉભો કર્યો હતો. જેના બાંધકામ આજે પણ અડીખમ ઊભા છે. ભાવનગરના મહારાજાએ લગભગ દર ત્રણ ગામ વચ્ચે એક વાવ બંધાવેલી જેથી ચાલીને જતા વટેમાર્ગુ, ગાડા ખેડૂત તેમજ વ્યાપાર કરવા આવતાજતા વેપારીઓને પીવાના પાણીની અગવડ ન પડે, જે વાવના બાંધકામ હજુ આજે પણ અડીખમ ઊભા છે. પરંતુ જાળવણીનો અભાવ તેમજ ઉપયોગ ન થવાના કારણે ભાવનગર જિલ્લાની 100 જેટલી પૌરાણિક વાવો હાલમાં ખંડેર બની ગઈ છે. જેને માત્ર સફાઈ કરી રિચાર્જ કરવામાં આવે તો મુસાફરો અને આસપાસના ગ્રામજનો માટે પીવાના પાણીનો એક મહત્વનો સ્ત્રોત બની શકે તેમ છે. 


અવાણીયા ગામના ખેડૂત પ્રવિણસિંહ ગોહીલ કહે છે કે, ભાવનગર જિલ્લાના અનેક ગામોના લોકો વાડી વિસ્તારમાં રહે છે. જેઓને પીવાનું પાણી પાંચ સાત કિલોમીટર દૂર ગામમાં લેવા આવવું પડે છે. ભાવનગર જિલ્લાના કોળીયાક, હાથબ, ખડસલિયા, મીઠીવીરડી સહિતના ગામોમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, જેથી ગામના લોકો ભાવનગર શહેરમાં શાકભાજી વેચવા આવતા હોય છે. એ લોકો પણ વાવના પાણીના ઉપયોગ કરી શકે છે. ચાલીને જતા વટેમાર્ગુઓ તેમજ વેપારીઓ માટે વાવ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો. જેથી મહારાજા દ્વારા ભાવનગર, કોળીયાક, નિષ્કલંક, હાથબ, ઘોઘા તેમજ તળાજા વચ્ચે અનેક વાવ બંધાવેલી છે. જે હાલમાં ખંડેર બની ચૂકી છે, આ તમામ વાવને વ્યવસ્થિત સાફ કરી ચોમાસા દરમિયાન રિચાર્જ કરાય તો પીવાના પાણીનો વૈકલ્પિક સ્ત્રોત બની શકે તેમ છે. 


વાવની રચના એ રીતે કરવામાં આવતી જેથી પગથિયાં ઊતરીને લોકો પાણી સુધી પહોંચી પાણી પી શકે. નદી, તળાવ કે કુંડથી અલગ વાવનું પાણી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવતું હોવાથી લાંબા સમય સુધી સંગ્રહાયેલું રહેતું હતું. બીજી રીતે જોઈએ તો વાવમાં અલગ અલગ વિસ્તારો મુજબ બે ત્રણથી વધુ માળ હોય છે. એ રીતે વાવ એ ટેક્નૉલૉજી, સ્થાપત્ય અને કળાનો એક સુંદર સમન્વય છે. ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં ફૂવા અને વાવે ખૂબ અગત્યની ભૂમિકા નિભાવી છે. કારણ કે એ દુષ્કાળમાં પાણી પૂરું પાડે છે. જે બાબતે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે વાવ માટે એક સ્પે. ગ્રાન્ટ વાપરવામાં આવશે અને શહેરની આજુબાજુમાં આવેલી વાવને પુનર્જીવિત કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.