વાઇબ્રન્ટ સમિટ પહેલા જ 18 હજાર કરોડથી વધુના MoU સંપન્ન, 65 હજારથી વધુ રોજગારીનું થશે નિર્માણ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવાનું છે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ કરી રહ્યાં છે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશન છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં જ સરકારે કરોડો રૂપિયાના એમઓયુ કર્યાં છે.
ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે અને આ ૨૦ વર્ષ દરમિયાન એક લાખથી પણ વધુ MoU કરવામાં આવ્યા છે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં થયેલા MoUના ૭૧ ટકા અને વર્ષ ૨૦૧૯માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં થયેલા MoUના ૮૧ ટકા ગ્રાઉન્ડ લેવલે સફળ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪‘ની ભવ્ય સફળતા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત દર અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતમાં અનેક MoU કરવામાં આવી રહ્યા છે. ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પગલે અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ ૧૮,૪૮૫ કરોડના MoU સંપન્ન થયા છે. જે રાજ્યમાં ૬૫,૦૩૨થી વધુ રોજગારીના અવસર પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ ભારતના ઇતિહાસમાં અંગદાનનો સૌથી મોટો કિસ્સો : પહેલીવાર જન્મજાત બાળકના અંગોનું દાન કરા
આ ઉપરાંત ચાલુ વર્ષના વાઇબ્રન્ટમાં MoU Plus પદ્ધતિ અનુસરવામાં આવી છે. જેના પરિણામે MoU સફળતાનો રેશિયો પણ વધીને ૯૦ ટકા જેટલો રહેવાનું અનુમાન છે. જેમાં જમીનની ઉપલબ્ધતા, ફાઇનાન્સીયલ ક્લોઝર, ટેકનો કોમર્શીયલ અને ફીઝીબીલીટી જેવા પરિબળોના પૂર્ણત: અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુ માહિતી આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ૧૦મી વાઇબ્રન્ટના ઉપલક્ષ્યમાં "વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ" (VGVD) કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે. MoUને રાજ્ય કક્ષા સુધી જ સીમિત ન રાખતા જિલ્લા સ્તરે પણ રોકાણકારોને સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડ્રસ્ટ્રીઝ, નાના રોકાણકારોને સહભાગી બનાવવા અને તેમની સ્કીલને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૨૭ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત થઈ ચૂક્યા છે, જેમાં ૨૨ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમો દરમિયાન રૂ. ૩૯,૫૦૩ કરોડના MoU કરવામાં આવ્યા છે, જેના થકી રાજ્યમાં ૧,૫૦,૮૧૫ થી વધુ રોજગારીની તકો ઉભી થશે. ગત તા.૧૭ ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા "વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ અમદાવાદ" કાર્યક્રમ દરમ્યાન રૂ. ૧૨,૭૫૨ કરોડના ૪૮૪ MoU થયા છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમીટ એ માત્ર બે કે ત્રણ દિવસની ઇવેન્ટ હોઇ શકે, પરંતુ તેના સંદર્ભે થતા MoU, રોકાણ, ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી સહિતની પ્રક્રિયા અવિરત ચાલતી જ રહે છે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલીસી, સેમીકન્ડકટર પોલીસી, ટેક્સટાઇલ અને આઇ.ટી. પોલીસી, ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લોન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના બીજા ખોડલધામના નિર્માણની તારીખ આવી ગઈ, આ દિવસે થશે ભૂમિ પૂજન
૧૦મી વાઇબ્રન્ટના સંદર્ભે દેશના અન્ય રાજ્યો રોકાણકારોને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે આકર્ષવા રોડ-શો સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતમાં દિલ્લી અને મુંબઈ તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ચંદીગઢ ખાતે રોડ શો યોજાયો હતો. આગામી સમયમાં પણ કોલકાતા, ચેન્નાઇ, લખનઉ, બેંગલોર અને ગુવાહાટી ખાતે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓની ઉપસ્થિતિમાં રોડ શો યોજાશે. આ ઉપરાંત જયપુર, ઇંદોર અને હૈદરાબાદ ખાતે પણ વાઇબ્રન્ટ સંદર્ભે રોડ શો આયોજિત કરવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએથી વિદેશી રોકાણ-રોકાણકારોને આકર્ષવા માટે જાપાન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, અમેરિકા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, યુએઇ, સાઉથ કોરિયા અને વિયેતનામ ખાતે પણ રાજ્યના વિવિધ સચિવોની ઉપસ્થિતિમાં રોડ શો યોજવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube