રાજ્યના 126 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 617 ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, 13 રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ છે. તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર 'ઝીરો હ્યુમન લાઇફ લોસ'ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનરઆલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.
રાહત કમિશનરે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.
આ પણ વાંચોઃ ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહીની તસવીરો
તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube