અમદાવાદમાંથી 20 લાખ અને સમગ્ર ગુજરાતમાં 41 લાખથી વધારે વાહનો સ્ક્રેપમાં જશે, તમારું વાહનનું શું થશે?
અગાઉ અમદાવાદ આરટીઓમાં મહેસાણા, હિંમતનગર અને ગાંધીનગર જિલ્લાના વાહનો પણ રજિસ્ટ્રેશન થતાં હતાં. આ પછી સમયાંતરે આરટીઓ કચેરી બનતા વાહન અને લાઇસન્સની વિવિધ કામગીરી અલગ થઇ હતી.
ઝી ન્યૂઝ/અમદાવાદ: આગામી 2-3 મહિનામાં સ્ક્રેપ પોલિસીની શરૂઆત થશે. તેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 20 લાખ વાહનો સ્ક્રેપમાં જશે અને રાજ્યના 41 લાખ 20 હજાર 451 વાહનો સ્ક્રેપમાં જશે. સ્ક્રેપ પોલિસી હેઠળ 41 લાખથી વધુ વાહનો સ્ક્રેપમાં જશે. બજેટમાં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી હતી, જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ, ખાનગી 14.50 લાખ મળી 20 લાખ વાહન સ્ક્રેપમાં જશે.
જાણવા મળી રહ્યું છે કે, બજેટમાં કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ અમદાવાદમાં નોંધાયેલી અંદાજે 7.59 લાખ કારમાંથી 1.28 લાખ 20 વર્ષ કે તેથી વધુ જૂની હોવાથી સ્ક્રેપમાં કાઢવી પડશે. એજ રીતે 20 હજારમાંથી 19 હજાર સરકારી બસ અને 28 હજારથી વધુ ટ્રક પણ સ્ક્રેપમાં જશે. ટ્રાન્સપોર્ટ વાહનોમાં 96.07 ટકા સરકારી બસો, 97.2 ટકા પોલીસવાન, 99.9 ટકા ટ્રેલર અને 87.5 ટકા ટેન્કર ઉપરાંત ખાનગી વાહનોમાં 17 ટકા કાર, 22.2 ટકા મોટરસાઇકલ, 63.75 ટકા મોપેડ અને 40.6 ટકા ટ્રેકટર વાહનો સ્ક્રેપમાં જશે.
અગાઉ અમદાવાદ આરટીઓમાં મહેસાણા, હિંમતનગર અને ગાંધીનગર જિલ્લાના વાહનો પણ રજિસ્ટ્રેશન થતાં હતાં. આ પછી સમયાંતરે આરટીઓ કચેરી બનતા વાહન અને લાઇસન્સની વિવિધ કામગીરી અલગ થઇ હતી. વાહન વ્યવહાર વિભાગના આંકડાને આધારે સ્ક્રેપ વાહનોનો અંદાજ કઢાયો છે.
ઉપરોક્ત આંકડા અમદાવાદ આરટીઓમાં 1964-65થી આજ સુધી નોંધાયેલા આંકડામાંથી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોનો આંકડો બાદ કરીને સ્ક્રેપના વાહનોનો આંકડો મેળવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube