રૂા.૩૪૫૭ કરોડથી વધુના મૂડીરોકાણની મંજૂરી અપાઇ, અંદાજે ૬૨૭૬ રોજગારી ઉદભવશે
રાજ્યના ઉદ્યોગકારોને સરકારની પ્રોત્સાહન યોજનાનો લાભ સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા ડેશબોર્ડના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળની યોજના ‘સ્કીમ ફોર ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ (જનરલ) ૨૦૧૬-૨૦૨૧’ અન્વયે પ્રોજેક્ટ મંજૂર કરવાની સમિતિની તાજેતરમાં છઠ્ઠી બેઠક મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં સંભવિત રૂા.૩૪૫૭.૭૩ કરોડના મૂડી રોકાણની ૩૬ અરજીઓને રજિસ્ટ્રેશન માટે મંજૂરી આપવામાં આવી છે. જેનાથી ૬૨૭૬ સંભવિત રોજગારી ઉદભવશે. રાજ્યના ઉદ્યોગકારોને સરકારની પ્રોત્સાહન યોજનાનો લાભ સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા ડેશબોર્ડના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉની બેઠકોમાં સંભવિત રૂા.૪૪૧૬૪.૮૫ કરોડની ૧૨૩ અરજીઓ ૨૦,૨૯૭ ની સંભવિત રોજગારી સાથે રજિસ્ટ્રેશન આપવા માટે મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળની અરજીઓમાં ઝડપી કાર્યવાહી કરવા સારૂ ઇઓડીબી અન્વયે તૈયાર કરેલ સોફ્ટવેરમાં પેપરલેસ અરજીઓ એટલે કે, ડિજિટલ અરજીઓ આઇ.એફ.પી.ના માધ્યમથી મોકલવાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી ઉદ્યોગકારો પોતાની અરજીઓનું સ્ટેટસ પોતે જાણી શકશે, તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.