મોરબીઃ રવિવારનો દિવસ ફરી મોરબી માટે કાળ બનીને આવ્યો છે. મોરબીનો પ્રસિદ્ધ ઝુલતો પુલ આજે સાંજે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 77 જેટલા લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. તંત્ર દ્વારા રાહન અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી રવાના થયા છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ સહિતના લોકો મોરબી રવાના થયા છે તો કેટલાક મોરબી પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહત અને બચાવ કામગીરી ચાલુ
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો  સાથે મોરબી જવા માટે રવાના થયા છે.એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ઝુલતો બ્રિજ તૂટ્યો તે પહેલાનો કથિત VIDEO વાયરલ, ક્યાં ખબર હતી કે આ છેલ્લો દિવસ હશે!


તપાસ માટે એસઆઈટીની રચના
મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી છે. જેમાં પાંચ સભ્યો આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરશે. 


કમિટીના સભ્યો
1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર


2.  કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર


3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ


૪. સંદીપ વસાવા, સચિવ માર્ગ અને મકાન


૫. સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ


આ પણ વાંચોઃ મોટી કરૂણાંતિકા: જાણો મોરબીમાં કેવી રીતે તૂટ્યો ઝુલતો બ્રિજ? સામે આવ્યું મોટું તથ્ય


પાંચ દિવસ પહેલા શરૂ થયો હતો બ્રિજ
તમને જણાવી દઈએ કે સમારકામના 5 દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. ચાર દિવસમાં જ 12000 લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube