રાજપીપળાના 6 યુવાનોએ રક્તદાનને બનાવ્યું ‘વ્યસન’
આમ તો આજના યુવાનો ભણતરને બાદ કરતાં પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં અને હરવા ફરવામાં પસાર કરતા હોય છે. પણ બહુ ઓછા યુવાનો એવું સમજ છે કે, યુવાનીમાં મોજ-મસ્તીની સાથે સેવાકાર્યની ખુમારી રાખશો તો માન અને મોભો સામે ચાલીને તમારા આંગણે આવીને આવશે. અહીં વાત છે રાજપીપળાના એ 6 યુવાનોની જેમણે પોતાના યુવાની કાળમાં મોજ-મસ્તી તો કરી, પણ સાથે સાથે એવું સેવાભાવી કાર્ય કર્યું જેનાથી લોકોનો કિંમતી જીવ બચી શક્યા. આ યુવાનોએ નિયમિત સમયે રક્તદાન કરવાનું નક્કી કર્યું અને એ રક્તદાનને પોતાનું વ્યસન બનાવી દીધું. એમના આ જ વ્યસનને લીધે કેટલાયે લોકોના જીવ પણ બચ્યા છે. આ લોકો છે ઉરેશ પરીખ, કંદર્પ જાની, નિમેશ પંડ્યા, જયેશ પંચોલી, વિશાલ પાઠક અને ઉત્પલ પટવારી....
જયેશ દોશી/રાજપીપળા: આમ તો આજના યુવાનો ભણતરને બાદ કરતાં પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં અને હરવા ફરવામાં પસાર કરતા હોય છે. પણ બહુ ઓછા યુવાનો એવું સમજ છે કે, યુવાનીમાં મોજ-મસ્તીની સાથે સેવાકાર્યની ખુમારી રાખશો તો માન અને મોભો સામે ચાલીને તમારા આંગણે આવીને આવશે. અહીં વાત છે રાજપીપળાના એ 6 યુવાનોની જેમણે પોતાના યુવાની કાળમાં મોજ-મસ્તી તો કરી, પણ સાથે સાથે એવું સેવાભાવી કાર્ય કર્યું જેનાથી લોકોનો કિંમતી જીવ બચી શક્યા. આ યુવાનોએ નિયમિત સમયે રક્તદાન કરવાનું નક્કી કર્યું અને એ રક્તદાનને પોતાનું વ્યસન બનાવી દીધું. એમના આ જ વ્યસનને લીધે કેટલાયે લોકોના જીવ પણ બચ્યા છે. આ લોકો છે ઉરેશ પરીખ, કંદર્પ જાની, નિમેશ પંડ્યા, જયેશ પંચોલી, વિશાલ પાઠક અને ઉત્પલ પટવારી....
સૌથી વધુવાર રક્તદાન કર્યું
રાજપીપળામાં સ્ટેશનરીના વેપારી ઉરેશભાઈ પરીખે 76 વખત, પ્રાઇવેટ બેન્કના કર્મચારી કંદર્પ જાનીએ 71 વખત, રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેકટર નિમેષભાઈ પંડ્યાએ 55 વખત, રાજપીપળા ના.સ.બેંકના કર્મચારી જયેશભાઇ પંચોલીએ 45 વખત, વેલીયન્ટ ક્રિકેટ સ્ટાર વિશાલ પાઠકે 30 વખત તથા પ્રાથમિક સ્કૂલના શિક્ષક ઉત્પલ પટવારીએ અત્યાર સુધી 21 રક્તદાન કર્યું છે.
કેમ્પ ન હોય તો પણ રક્તદાન કરવા પહોંચી જાય
રાજપીપળામાં જ્યાં પણ રક્તદાન કેમ્પ હોય ત્યાં આ 6 યુવાનોના લિસ્ટમાં નામ ન હોય એવું તો ભાગ્યે જ બને. અને જો રક્તદાન કેમ્પનું આયોજન ન થયું હોય તો બ્લડ બેંકમાં જઈને રક્તદાન તો કરી જ આવવાનું. એમ કહીએ તો ચાલે કે રક્તદાન એમના માટે એક વ્યસન બની ગયું હતું. પણ એમના આ વ્યસનનું પરિણામ એ આવ્યું કે જોત જોતામાં તેઓ નર્મદા જિલ્લામાં સૌથી વધુ વખત રક્તદાન કરનારા રક્તદાતાઓના લિસ્ટમાં આવી ગયા.
ઊંમરનો આંકડો નાનો, પણ રક્તદાનનો મોટો
6 મહિને એક વાર રક્તદાન કરી શકાય એવું મેડિકલ સાયન્સ કહે છે, આ યુવાનોની ઉંમર 35 થી 45 વર્ષ વચ્ચેની હશે. તો ગણતરી કરી લો કે એમણે કેટલી ઉંમરે રક્તદાનની શરૂઆત કરી હશે. આ યુવાનોના ઉમદા કાર્યએ કેટલાયે લોકોના જીવ પણ બચાવ્યા છે. બીજું કે ઉરેશભાઈ પરીખ અને કંદર્પ જાનીને તો નર્મદા જિલ્લામાં સૌથી વધુ વખત રક્તદાન કરવા બદલ જર્નાલિસ્ટ એસોસિએશન, નર્મદા દ્વારા "નર્મદા રત્ન" એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા. પણ દુખદ બાબત એ છે કે, હજી સુધી નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ રાજપીપળાના આ યુવાનોના ઉમદા કાર્યની નોંધ નથી લીધી. "રક્તદાન જીવનદાન-રક્તદાન મહાદાન" એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરનારા આ યુવાનો નર્મદા જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના ખરેખરા હકદાર કહી જ શકાય. ખરેખર આ યુવાનોના ઉમદા કાર્યને લીધે એમને દિલથી સેલ્યુટ કરવાનું તો મન થાય જ.
ઉલ્લેખનીય છે કે, "રક્તદાન જીવનદાન-રક્તદાન મહાદાન" એ સૂત્ર આપણે મોટે ઉપાડે બોલતા તો ખચકાતા નથી. પણ જ્યારે રક્તદાનની વાત આવે એટલે અમુક લોકોના મોઢામાંથી પહેલો જ શબ્દ "ના" નીકળે છે. રક્તદાનથી શરીરમાં લોહી ઘટી જાય, નબળાઈ આવી જાય, જીવનભર લોહીની ઉણપ સર્જાશે... સહિત અનેક ખોટી માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ છે. બીજું કે આજે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો મોટે ભાગે દર્દીઓ લોહી લેવા આમ તેમ આંટા-ફેરા મારતા હોય છે. કટેલાક સમયે તો સમય પર લોહી ન મળવાને કારણે દર્દીનું મોત નિપજ્યું હોવાના કિસ્સાઓ પણ બન્યા જ છે. ત્યારે આવા જ લોકોનો જીવ બચે અને ખોટી માન્યતાઓને લોકો જાકારો આપે એ ઉમદા હેતુથી રાજપીપળાના આ 6 યુવાનોએ ચોક્કસ સમય પર રક્તદાન કરવાનું નક્કી કર્યું.