સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો એક પરિવાર ઘરકંકાસને કારણે વિખેરાઇ ગયો છે. પતિ સાથે ઘરકંકાસને કારણે પત્નીએ બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. દિકરા અને દીકરી સાથે મહિલાએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. જ્યારે મોટી દીકરી માતાનો હાથ છોડાવીને ભાગી જતા તેનો જીવ બચી ગયો હતો. આ પરિવાર મહારાષ્ટ્રના અમલનેરનો હતો અને હાલ સુરતમાં રહેતો હતો. ટ્રેન નીચે આવી જતા માતા અને બે સંતાનોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર આર્થિક સંકળામણને કારણે પાંડેસરા વિસ્તારમાં રહેલી આશા સંતોષ પાટીલ નામની મહિલાને પેના પતિ સાથે માથાકુટ થતી હતી. આ કારણે તેણે ત્રણ સંતાનો સાથે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે પરિવારે રૂ. 25,000ની લૉન પણ લીધી હતી. જેની ચુકવણી પેટે પરિવાર મહિને રૂ. 1100નો હપ્તો પણ ભરતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આશાબેને લોકોનાં ઘરકામ કરતી હતી.


ઓછી આવક અને બીજી તરફ લેણદારીનો ઉઘરાણીને કારણે પરિવાર ત્રસ્ત હતો. આ તમામ સમસ્યાનો અંત લાવવા માટે મહિલા તેના ત્રણ સંતાનો મનિષ, દિપાલી અને મોટી દીકરી દિવ્યાને લઈને ઉધના સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર પહોંચી હતી. ત્રણ સંતાનને લઈને તે ટ્રેક પર ઉભી રહી ગઈ હતી. જોકે, મોટી દીકરી માતાનો ઈરાદો સમજી જતા તેનો હાથ છોડાવીને ભાગી ગઈ હતી. જ્યારે ટ્રેન અડફેટે આશાબેન અને તેના બે સંતાન મનિષ અને દિપાલીનું મોત નીપજ્યું હતું.


પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.