હવે તરસ્યુ નહિ રહે કાઠિયાવાડ, ખારા પાણીમાંથી રોજ 10 કરોડ લિટર પીવાનું પાણી બનાવીને પહોંચાડાશે
ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી રહી છે. પાણી માટે અહીં વર્ષોથી અવાજ ઉઠતો રહ્યો છે. ત્યારે હવે ગુજરાતે પાણીની આ કાયમી સમસ્યાનું સમાધાન શોધ્યું છે. ગુજરાત સરકાર પોતાના વધુ એક સપનાનાને સાકાર કરવા તરફ આગેકૂચ કરી રહી છે. રૂપાણી સરકારે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. કરાર થતાં ગુજરાત સરકારનું આ સપનું કાઠિયાવાડમાં આકાર પામશે. જામનગરના જોડિયામાં આ પ્લાન્ટને સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્લાન્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. આ પ્લાન્ટ શરૂ થયા બાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી અને કચ્છના વિવિધ વિસ્તારોમાં રોજના 10 કરોડ લિટર પીવાનું પાણી પહોંચાડી શકાશે.
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1માં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરીમાં આ પ્રોજેક્ટના કરાર કરાયા હતા. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એસ્સેલ ગ્રુપ વચ્ચે આ કરાર થતાં હવે ગુજરાત સરકારનું પાણીદાર સપનું સાકાર થશે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એસ્સેલ ગ્રુપ વચ્ચે મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં 100 એમએલડી ડિસેલિશન પ્લાન્ટ બનશે. જે માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે એસ્સેલ ગ્રુપના એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપનીને પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે. જેથી એસ્સેલ ઈન્ફ્રા અને સ્પેનની એબેનગોઆ કંપની મળીને પીપીપી મોડલ આધારે આ પ્લાન્ટ બનાવશે. આ પ્લાન્ટમાં રોજનું 100 MLD એટલે કે 10 કરોડ લિટર ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિકઃ છે. ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ત્યારે તેનું કામ ઝડપથી શરૂ થાય તેવા પ્રયાસ કરાશે. PM મોદીના હસ્તે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે. દુનિયા આખી આપણે ત્યાં અભ્યાસ કરવા આવે તેવો આ પ્રોજેક્ટ છે.
આ પ્રોજેક્ટની ખાસિયત
- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ ગુજરાતમાં પાણીની અછતને પૂર્ણ કરશે. આ પ્રોજેક્ટ 30 મહિનામાં પૂર્ણ થઈ જશે.
- પ્લાન્ટમાં 20 મિલિયન લિટર સંગ્રહ કરવાની પણ ક્ષમતા રહેશે.
- આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, બારેમાસ કોઈ મુશ્કેલી વિના આ પ્લાન્ટ પાણીની સપ્લાય કરી શકશે.
- આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ રહેશે, જે SWRO ટેક્નોલોજીથી દરિયાના પાણીને પીવાના પાણીના રૂપમાં ટ્રાન્સફર કરશે.
- આ પ્લાન્ટ ઈલેક્ટ્રિસિટીથી ચાલશે.
ધ ડેસીલીનેશન પ્રોસેસ
દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરાશે. આ પ્રક્રિયામાં ખારા પાણીમાંથી મીઠુ અલગ કરવામાં આવશે અને તે મીઠા પાણીને અલગ કરવામાં આવશે. ખારા પાણીમાંથી મીઠુ અલગ કરવાની પ્રક્રિયાને રીવર્સ ઓસોમીસ ટેકનોલોજી કહેવાય છે. આ પ્લાન્ટ માટે 100 MLD ની વોટર પાઇપલાઇન જોડવામાં આવશે. આ પાઇપની અંદર નાની માછલીઓ, છીપલા અને અન્ય વસ્તુઓ જઇ શકશે નહી. પાઇપો અને મશીનને ઓપરેટ કરતી સિસ્ટમમાં કલોરીન ઉમેરવામાં આવે છે. ત્યારે માનવ શરીરમાં પાણી માફક આવી શકશે. ખાસ કરીને જ્યા પાણીની તંગી હોય તેવા વિસ્તારમાં આ પ્લાન્ટ આશીર્વાદ સમાન સાબિત થઇ શકે છે.
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદા અને ભૂગર્ભમાંથી પાણી અપાઈ રહ્યું છે. આ પ્લાન્ટ શરૂ થવાથી કાઠિયાવાડની પાણીની કાયમી સમસ્યા દૂર થઈ જશે. પ્લાન્ટની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે. આ પ્લાન્ટની ડિઝાઈન, ફન્ડિંગ, બિલ્ડિંગ અને જાળવણી 25 વર્ષ સુધી એસ્સેલ ગ્રૂપ દ્વારા જ કરવામા આવશે. ત્યારે આ પ્રોજેક્ટ બીજા રાજ્યો માટે મોડેલ બનશે. તે દેશનો સૌથી મોટો પીપીપી પ્રોજેક્ટ છે, જેને 1 હજાર કરોડના રોકાણથી જામનગરમાં સ્થાપવામાં આવશે.
ગુજરાતમાં પહેલ થઈ
આ પ્લાન્ટ ભારતની એસ્સેલ ઈન્ફ્રા અને સ્પેનની એેબેનગોઆ દ્વારા બનાવાશે. આ ટેક્નોલોજીથી જાપાન, યુરોપ અને અમેરિકા સહિત અને દેશમાં પાણી શુદ્ધ કરવામા આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પહેલ થઈ રહી છે જે દેશના બીજા રાજ્યો માટે પણ મોડલ બની રહેશે. હવે ગુજરાતીઓને પાણી માટે નર્મદા અને ચોમાસાના પાણી પર નભવું નહીં પડે. આ પ્રોજેક્ટ 30 મહિનામાં તૈયાર થઈ જશે. બારેમાસ કોઈ પણ અડચણ વિના પ્લાન્ટ ચાલુ રહેશે. પ્લાન્ટ ગુજરાત અને દેશ માટે નવી ઉન્નતિના દ્વાર ખોલશે.
ઉલ્લેખનીય છે કે, એસ્સેલ ઇન્ફ્રા અને એબેનગોઆ બન્નેએ ભેગા મળીને નવુ સાહસિક પગલુ ઉઠાવ્યુ છે. એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ સૌથી ઝડપી વિકસતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ દેશના 100 શહેર અને 17 રાજ્યમાં કાર્યરત છે. અબેનગોઆએ વિદેશની પાણી શુદ્ઘ કરવાની સૌથી મોટી કંપની છે. આ કંપની હવે ભારતની જાણીતા ગૃપ એસ્સેલ ગૃપ સાથે કદમ મિલાવીને ખારા પાણીને શુદ્ધ કરવાનુ મિશન હાથ ધર્યુ છે.