નવી દિલ્હી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમને દર્શાવતા તહેવાર રક્ષાબંધનનો ઈતિહાસ ઘણો જૂનો છે. સમાજમાં પ્રચલિત પરંપરાઓને જાણીએ તો રક્ષાબંધનનો તહેવાર વૈદિક કાળથી જ ઉજવવામાં આવતો આવ્યો છે. આ પર્વ હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. ઈતિહાસકારો પણ તેના સંબંધિત એક પ્રસંગને વર્ણવે છે. મેવાડની રાણી કર્ણાવતીના પતિના મૃત્યુ બાદ તેના રાજ્ય પર ગુજરાતના શાસક બહાદુરશાહે આક્રમણ કર્યું હતું. કહેવાય છે કે રાણી કર્ણાવતીને બહાદુરશાહના હુમલાથી બચાવવા માટે મુઘલ શાસક હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાણી કર્ણાવતીએ મોકલી હતી મુઘલ શાસકને રાખડી
ઈતિહાસકારોના જણાવ્યાં મુજબ રાણી કર્ણાવતી તે સમયે બહાદુરશાહના હુમલાનો જવાબ આપવામાં અસમર્થ હતી. આક્રમણની ભયાનકતા જોઈને કર્ણાવતીએ મુઘલ સમ્રાટ હુમાયુને ભાઈ માનીને એક રાખડી મોકલી અને બહાદુરશાહથી રક્ષણ માટે સહાયતા માંગી. હુમાયુ તે સમયે પોતાના રાજ્યના વિસ્તારમાં લાગ્યો હતો અને બંગાળ પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. રાણી કર્ણાવતીની રાખડી મળતા હુમાયુએ રાખડીની લાજ રાખી અને તત્કાળ મેવાડ તરફ કૂચનો આદેશ આપ્યો હતો. 


હુમાયુ પોતાની માનેલી બહેનને બચાવી શક્યો નહતો
ઈતિહાસકારોનું માનીએ તો હુમાયુએ રાખડ સ્વીકારીને મેવાડ  તરફ કૂચ તો કરી પરંતુ તે સમય પર પહોંચવામાં સફળ ન રહ્યો. આ જ કારણે રાણી કર્ણાવતીએ કિલ્લાની અન્ય મહિલાઓ સાથે જૌહર કરી લીધુ હતું. ત્યાં પહોંચ્યા બાદ હુમાયુને ખુબ દુ:ખ થયું અને તેણે બહાદુરશાહને પરાસ્ત કરીને રાણી કર્ણાવતીના પુત્રને મેવાડનો શાસક બનાવ્યો. કહેવાય છે કે તે સમયથી જ રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ.રક્ષાબંધનના દિવસે બધી બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધે છે અને પોતાની રક્ષા માટે વચન લે છે.