મુસ્તાક દલ, જામનગરઃ દિવાળી અને નવા વર્ષ બાદ ખેડૂતો માટે આવ્યાં ખુશીના સમાચાર. આવતી કાલે લાભ પાંચમ છે, આ દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે મુજબ નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ આ અંગે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આવતીકાલથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે લાભપાંચમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ વર્ષે ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરશે અને એક મણનો 1110 ભાવ હશે.


આવતીકાલે લાભ પાંચમથી 28 જીલ્લામાં 140 જેટલા તાલુકા અને 140 ખરીદકેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે, તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ પોતે ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકામાં મગફળીની ખરીદી શરુ કરાવશે. મહત્વનું છે કે આ વર્ષે 2 લાખ 66 હજાર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે, વધુમાં કૃષિમંત્રી એ કહ્યું એક ખેડૂત દીઠ 125 મણ મગફળી એકીસાથે ખરીદી કરવામાં આવશે અને જમીનના પ્રમાણમાં ખેડૂત પાસે વધુ મગફળી હશે તો બીજીવાર પણ મગફળી ખરીદી કરવામાં આવશે.