ધવલ પટેલ, નવસારીઃ વાત છે વર્ષ 2021ની... બીલીમોરા પાસેના આતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 સામે ગુનો નોંધ્યો હતો. જે તે સમયે ભૌતિક પટેલ ઉર્ફે ભાવુનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતાં તમામને જેલમાં મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલમાંથી મુક્તા થયા બાદ હત્યારાઓ રાબેતા મુજબનું જીવન જીવવા લાગ્યા હતા. બીજી તરફ, મૃતક ભૌતિકની માતાએ એપ્રિલ 2023માં પોતાનો પુત્ર ગુમ થવાને લઈને પોલીસમાં અરજીઓ કરી હતી. જેના આધારે પોલીસે હત્યાના ગુનાનો આરોપી ગુમ થવાની ઘટનાને ગંભીરતાથી લઈ હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું. જેની તપાસમાં જે હકીકત સામે આવી તે ખૂબ ચોંકાવનારી છે.


મૃતક નિમેષ પટેલના ભાઈ કલ્પેશના મગજમાં બદલાની આગ સળગી રહી હતી. પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે જોરદાર પ્લાન ઘડ્યો હતો. પાંચ કરોડની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાની તારીખ નક્કી કરી હતી. ભૌતિકને આરામથી મારી શકાય એ માટે તેના જ નજીકના મિત્રોનો સહારો લીધો હતો. નજીકના મિત્રોની મદદ લઈ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પાર્ટી કરવાને બહાને રાતના સાડાદસ વાગ્યે બોલાવ્યો હતો. પ્લાન પ્રમાણે ભૌતિકનો નજીકના મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલે ભૌતિક ઉપર ચપ્પુ અને તલવારથી હુમલો કર્યો હતો. જેમાં ભૌતિકનું મોત થયું હતું. તેની મદદમાં આદર્શ પટેલ, મનીષ ઉર્ફે ગુદ્દુ પણ હાજર હતા. મૃતદેહનો નિકાલ કરવા માટે ત્રણેયએ મળી તેને થેલામાં પેક કરી હતી. અને અમલસાડ રેલવે પટ્ટી પાસેની સરકારી પડતર જગ્યામાં લઈ ગયા હતા. જ્યાં આરોપી સતીશ પટેલ તથા ગિરીશ પાઠકે જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દફનાવ્યો હતો.


આ પણ વાંચોઃ વડોદરામાં 7-7 વર્ષથી ધૂળ ખાઈ છે મકાન અને દુકાન, કોર્પોરેશનની સામે આવી ઘોર બેદરકારી


જોકે, ભૌતિકની માતાએ કરેલી ગુમ થયાની અરજી પર પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે. જેમાં બદલો લેવા માટે હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે કુલ 6 આરોપીની હાલ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


હત્યાનો બદલો હત્યા આ વિચાર રાખી કલ્પેશ પટેલે પોતાના ભાઈના મોતનો બદલો તો લઈ લીધો, પરંતુ હાલ તે પોલીસથી બચવા ફરાર થઈ ગયો છે.. સાથે આદર્શ પટેલ નામનો આરોપી પણ પોલીસ પકડથી દૂર છે. જે બંનેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube