ભરૂચ: ભરૂચના જોલવા ગામમાં મુસ્લિમો ગરબા મહોત્સવ યોજે છે અને ૯ દિવસ આવકારથી લઇ સુરક્ષા વ્યવસ્થા સુધીની જવાબદારી પણ ઉપાડે છે. સમગ્ર દેશભરમાં અમુક લોકો દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવી વાતાવરણ બગાડવામાં આવે છે ત્યારે ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલ જોલવા ગામે નવરાત્રિ પર્વમાં અનેરી કોમી એકતાના સોહાર્દભર્યા દ્રશ્યો સર્જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોલવા ગામ કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડે છે. ગામમાં મુસ્લિમ બિરાદરો ગરબા મહોત્સવ યોજે છે. અગાઉ ગામની યુવતીઓ ગરબા રમવા દુરના વિસ્તારમાં જતી હતી જે મધરાતે  ઘરે ન આવે ત્યાં સુધી પરિવારને ચિંતા રહેત હતી પરંતુ  છેલા ૩ વર્ષથી સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ હિન્દૂ યુવતીઓ માટે ગરબા આયોજનની જવાબદારી ઉપાડી લીધી છે. 


હિન્દુ મુસ્લિમ વચ્ચે મતભેદો કરી તણાવ પેદા કરતા તત્વોને તમાચો ચોડી, કોમી એકતાના દીપ પ્રજવલિત કરી સમગ્ર દેશભરમાં કોમી એકતાની મિશાલ ઉભી કરી એક વિશેષ ઉદાહરણ પૂરું પાડયું છે. હાલ નવરાત્રી તેમજ અન્ય બીજા તહેવારો પણ જોલવા ગામમાં કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાઈ રહ્યા છે. અહી મુસ્લિમ સમાજની બાળાઓ પણ પરંપરાગત વસ્ત્રોમાં હિન્દુ બાળાઓ સાથે ગરબામાં ભાગ લે છે. આમ તેઓએ વિવિધતામાં એકતા થકી કોમી એકતાનો સંદેશો ફેલાવ્યો છે.


કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ એવા જોલવા ગામના ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ પણ નિર્ભય વાતાવરણમાં મન મૂકીને ગરબે ઘૂમે છે. ગામના જ મુસ્લિમ આગેવાન સુલેમાનભાઈ અને ઐયુબભાઈ દ્વારા આ અનેરૂ આયોજન આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.