નચિકેત મહેતા/ખેડા :રાજ્યની ત્રીજા નંબરની ખેડાની ITI આવી ધાર્મિક વિવાદમાં આવી છે. ઉતરસંડા ITIમાં વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી અને બુરખો પહેરીને આવતાં વિવાદ થયો હતો. વિધર્મી વિદ્યાર્થીઓએ ચોક્કસ ધર્મનો પોશાક પહેરીને આવતાં અન્ય વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને વિદ્યાર્થીઓએ આ બાબતનો વિરોધ દર્શાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા માં ITI આવેલી છે. ત્યારે રાજ્યમાં ત્રીજા નંબરે આવતી ઉત્તરસંડા ITI એકાએક વિવાદમાં આવી છે. આ આઈટીઆઈમાં કેટલાક વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી બુરખા અને ચોક્કસ ધર્મના પોશાક પહેરીને આવ્યા હતા. જેનો વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો અને વિદ્યાર્થીઓએ તેનો વિરોધ દર્શાવીને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લામંત્રી સહિતના નેતાઓએ આ અંગે ITI ના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. સાથે જ આ મામલે આગળ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ જલદમાં જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. 



વિવાદ થયા બાદ ઉતરસંડા ITI ના પ્રિન્સીપાલે કહ્યું કે, રજૂઆત બાદ અમે કમિટિનું ગઠન કર્યું છે. સંસ્થામાં કેમેરો પણ ગોઠવાયેલો છે. તેથી આ મામલે પૂરતુ ધ્યાન રાખવામાં આવશે. રજૂઆતનું કમિટિ બનાવીને તારણ દસ દિવસમાં આપીશું. આ સંસ્થા 1982 થી કાર્યરત છે, તેને 30 વર્ષ પૂરા થયા છે. જો કોઈની રજૂઆત આવી છે તો અમે તપાસ કરીશું. 


ઉલ્લેખનીય છે કે, ઉતરસંડા ITI ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી ITI છે. તેમજ SC ની ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલ-કોલેજમાં ચોક્કસ ધાર્મિક પોશાક પહેરી શકાતો નથી.