અમદાવાદ : ગુજરાતમાં આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થશે. ફોર્મ ભરાયા બાદ ચકાસણીની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ચૂંટણી પંચ અધિકૃતપણે મતદારો સમક્ષ શુક્રવારે સાંજે ઉમેદવારો જાહેર કરે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 ડિસેમ્બરે  અમદાવાદના એસ.જી. હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકુળ ખાતે હોસ્પિટલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે અને આથી પોલીસે મોટા પાયે સલામતી પ્લાન અમલમાં મૂક્યો છે. નરેન્દ્ર મોદી આ સ્થળે મોટી જાહેર સભા પણ કરી શકે તેમ છે. ભાજપના પ્રચાર- પ્રસાર સેલના કહેવા મુજબ શનિવારથી વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્ર, કચ્છમાં ચૂંટણીના મેદાને ઉતરશે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જો કે, પીએમઓ તરફથી હજુ સુધી કોઈ જ કાર્યક્રમ મળ્યો નથી. ભાજપે શનિવારથી તેમની ચૂંટણી સભા- સંમેલનોની સ્થળો સહિતનો શિડયુલ તૈયાર કર્યો છે. જેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થઈ શકે તેમ છે. 


રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીના ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમ બાદ અમદાવાદ આવેલા ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી અને નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રચારની રૂપરેખા પણ ઘડી નાખી છે. ફોર્મ ચકાસણી બાદ ચૂંટણીપંચ પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે અધિકૃત કરે તેની સાથે જ રવિવારે કે સોમવારે ભાજપ ગુજરાતમાં ઝોનવાઈઝ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.