પાટણકાંડ : ખબર પૂછવા ગયેલા નરેશ અને હિતુ સામે ફાટ્યો આક્રોશ, ઉતરવા પણ ન દીધા કારમાંથી
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામનો પરિવાર લાંબા સમયથી જમીન વિવાદને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યો હતો
અમદાવાદ : પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામનો પરિવાર લાંબા સમયથી જમીન વિવાદને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યો હતો. પરંતુ તેમની રજૂઆત પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતુ નહોતું. જેને પગલે તેમણે અગાઉ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આ ચીમકી સાથે જ તેઓ બેનર અને જ્વલંતશીલ પ્રવાહી લઈને જિલ્લા સેવાસદન આવી પહોંચ્યા હતા. જોકે પોલીસે વિરોધકર્તાઓના હાથમાંથી બેનર લઈ લીધા હતા. તે સમયે ઊંઝાના ભાનુભાઈ નામના યુવકે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી અને કલેક્ટર કચેરી તરફ દોટ મુકી. દલિત આગેવાનની હાલત ગંભીર હોવાના કારણે તેને પાટણથી અમદાવાદ અપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
જુઓ વીડિયો : નરેશ અને હિતુ કનોડિયાનો ભારે વિરોધ
એપોલો હોસ્પિટલ ખાતે આ આગેવાનની હાલત જાણવા અને તેમની તબિયત પુછવા માટે ટોચના ગુજરાતી એક્ટર નરેશ કનોડિયા અને તેમનો ધારાસભ્ય દીકરો હિતુ કનોડિયા (ઇડરનો ધારાસભ્ય) પહોંચી ગયા હતા. જોકે એ સમયે ગુસ્સામાં હાજર રહેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને આકરા સવાલજવાબ કર્યા હતા. લોકોએ ભારે વિરોધ નોંધાવીને તેમને કારમાંથી ઉતરવા પણ નહોતા દીધા.
હાલમાં આત્મવિલોપનના પ્રયાસને લઈને માહોલ ગરમાયો છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે. માહોલ એટલો ગરમાયો છે કે, પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.