અડધી રાત્રે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો નર્મદા ડેમ, 131 મીટર સપાટી પાર કરતા 26 દરવાજા ખોલાયા
નર્મદા ડેમ વધુ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મોડી રાત્રે 10 જેટલા દરવાજા ખોલાતા અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. ઈતિહાસમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મીટર પાર કરાતા જ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો, અને આમ એક ઐતિહાસિક દ્રશ્ય હાલ ડેમ પાસે જોવા મળી રહ્યું છે.
જયેશ દોશી/નર્મદા :નર્મદા ડેમ વધુ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મોડી રાત્રે 10 જેટલા દરવાજા ખોલાતા અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. ઈતિહાસમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મીટર પાર કરાતા જ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો, અને આમ એક ઐતિહાસિક દ્રશ્ય હાલ ડેમ પાસે જોવા મળી રહ્યું છે. આમ, નર્મદા ડેમના કુલ 26 દરવાજા 1 મીટરથી ખોલાયા છે. RBPH NA 200 મેગા વોટના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયા છે. CHPHના 50 મેગાવોટના 5 ટર્બાઇન ચાલુ કરીને લાખોનું વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.
મુખ્યમંત્રીએ નિહાળ્યો ડેમ
નર્મદા ડેમના દરવાજા નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વહેલી સવારે સરદાર સરોવર ડેમ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ આ નજારો નિહાળતા કહ્યું કે, નરેન્દ્રભાઈનું સપનુ પૂરુ થયું છે. આગામી એક માસ સુધી આ પાણી બહુ જ ઉપયોગી બની રહેશે. ssnnlના ચેરમેન કૈલાસનાથન સહિત અનેક મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી નર્મદાના જળના વધામણાં કર્યા હતા.
રાત્રે 1.30 કલાકે ખોલાયા દરવાજા
નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 એ ખોલવામાં આવ્યા હતા. જેમાં ગેટ નંબર 14 સૌપ્રથમ ખોલાયો હતો. કુલ 10 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલાયા છે. ઇતિહાસમાં પ્રથમ વાર દરવાજા ખોલાયા હોવાની આ ક્ષણ બની છે. પાણીની સપાટી 131 મીટર વટાવતા જ આખરે દરવાજા ખોલાયા હતા. હાલ ડેમની સપાટી 131.20 મીટર છે. જેમાં પાણીની આવક 180788 ક્યુસેક અને જાવક 89582 કયુસેક છે.
3 જિલ્લાને એલર્ટ કરાયા
નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે. નર્મદા યોજના આલેખન ( ડેમ અને આલેખન) વર્તુળ, વડોદરાએ આ પત્ર બહાર પાડ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાના પગલે વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. ડભોઈ, કરજણ, અને શિનોર તાલુકાના 24 ગામોને એલર્ટ કરાયા છે. જેને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવાના પગલે નદી પટના ગામો ચિતિંત બન્યા છે. તલાટી કમ
મંત્રીઓ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી દેવાઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
ગોરા બ્રિજ સાવચેતી રૂપે બંધ કરાયો
નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવાય છે અને ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. નર્મદા ડેમથી નજીક સૌથી પહેલો આ બ્રિજ છે, જે પથ્થરોથી બનેલો છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં આ પુલ પર અવરજવર બંધ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
NDRF તથા સરકારી કચેરીઓને કર્યા એલર્ટ..
ભરૂચ જિલ્લાના 20 ગામોને સંભવિત પરિસ્થિતિને કારણે એલર્ટ કરાયા છે. સવારે 7 વાગ્યાથી ડિઝાસ્ટરની ટીમ મોનીટરીંગ શરૂ કરશે. સરદાર સરોવર ડેમમાથી પાણી છોડવાની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. એનડીઆરએફની ટીમો નર્મદા નદીના વિસ્તારમાં ડીપ્લોય કરવામાં આવી છે. નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમા એનડીઆરએફની ટીમો રવાના કરાઇ છે. નિચાણવાળા વિસ્તારોમાં ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. જરુર પડે સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ છે.