સરદાર સરોવર ડેમની આવકમાં સતત વધારો, ડેમની જળ સપાટી 122.06 મીટરે પહોંચી
જો સરદાર સરોવર ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો દર કલાકે પાણીની સપાટીમાં 3 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.
નર્મદાઃ ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવકને કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ ડેમની સપાટી 122.06 મીટરને પાર પહોંચી ગઇ છે.
જો સરદાર સરોવર ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો દર કલાકે પાણીની સપાટીમાં 3 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. તો ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ પાણી આપવા માટે સક્ષમ થઈ ગયા છીએ. ગુજરાતની મેઇન કેનાલમાં હાલમાં 9000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમમાં હાલમાં 1610.80 MCM લાઇવ પાણીનો જથ્થો હાજર છે.
પાવર યુનિટ શરૂ
ડેમમાં પાણીની આવક વધતા ઉર્જા ઉત્પન કરતા સીએસપીએસ પાવર હાઉસનું જે એક યુનિટ ચાલુ હતું તેની જગ્યાએ બે યુનિટ શરૂ કરવી દેવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે. લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી સરદાર સરોવર ડેમ દ્વારા પૂરુ પાડવામાં આવે છે. આ ડેમનું લોકાર્પણ વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દિવસે નર્મદા ડેમની સપાટી 129.30 મીટરની હતી અને જે વધીને 9 ઓક્ટોબરે 131.05 મીટરની થઇ હતી. 6 મહિનામાં ડેમની સપાટી ઘટીને 105.64 મીટર પર પહોંચી છે. ડેમમાં સતત પાણીની સપાટી ઘટતા ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટે ઇતિહાસમાં પ્રથમવાર IBPT(ઇરીગેશન બાયપાસ ટનલ )નો ઉપયોગ કરી મેન કેનલ દ્વારા 10,000 ક્યુસેક પાણી અપાતું હતું.