Navsari News: વાતાવરણની અસર, ચીકુ લીલા રહેતા ખેડૂતો સાથે વેપારીઓ ચિંતામાં
નવસારી બાગાયતી જિલ્લો ગણાય છે અને અહીં ચીકુ અને કેરી મુખ્ય પાક છે. ખાસ કરીને નવસારીના ગણદેવી તાલુકામાં મોટા પ્રમાણમાં ચીકુની ખેતી થતી હોય છે. પરંતુ બદલાતુ વાતાવરણ ખેતી પાકો સાથે હવે બાગાયતી પાક ઉપર પણ અસર પાડી રહ્યુ છે.
નવસારીઃ સતત બદલાતુ વાતાવરણ હવે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યું છે. ઓકટોબર અંતથી શરૂ થતી સીઝનમાં ચીકુનું ઉત્પાદન ઓછું રહેતા ખેડૂતો સાથે વેપારીઓને પણ આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં ચીકુના ફળ મોટા થયા, પણ પરિપક્વ ન થતા લીલા રહી જાય છે. જેના કારણે બજારમાં ચીકુના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો, જ્યારે પૂરતી આવક ન મળતા વેપારીઓને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
નવસારી બાગાયતી જિલ્લો ગણાય છે અને અહીં ચીકુ અને કેરી મુખ્ય પાક છે. ખાસ કરીને નવસારીના ગણદેવી તાલુકામાં મોટા પ્રમાણમાં ચીકુની ખેતી થતી હોય છે. પરંતુ બદલાતુ વાતાવરણ ખેતી પાકો સાથે હવે બાગાયતી પાક ઉપર પણ અસર પાડી રહ્યુ છે. ગત ફેબ્રુઆરી મહિનામાં 39 ડિગ્રીથી વધુ ગરમી રહી હતી. ત્યાર બાદ જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે બારમાસ થતા ચીકુના પાકની હાલત બગાડી હતી. ખાસ કરીને ચીકુ વાડીમાં ગરમીને કારણે ફૂલ બેઠા બાદ ફલીનીકરણ સમયે ખરણ વધ્યુ હતુ. બીજી તરફ વરસાદી માહોલમાં ચીકુના વૃક્ષોમાં પણ ફૂગ લાગી જવાને કારણે વૃક્ષ નકામા થયા છે. જેની સીધી અસર ચીકુના પાક પર જોવા મળી રહી છે.
ખાસ કરીને ઓકટોબરમાં લાભ પાંચમથી શરૂ થતી ચીકુની સીઝન ઉત્પાદન ઓછું રહેતા મોડી ઠેલાઈ હતી. મંડળીઓ પણ ઓછી આવકને કારણે 15 થી 20 દિવસ બંધ રાખવા પડી હતી. ચોમાસા બાદ ચીકુના વૃક્ષો પર થયેલા ફલીનીકરણ સારૂ થયુ અને ફળ પણ લાગ્યા. જોકે ચીકુ આગામી ફેબ્રુઆરી બાદ તૈયાર થાય એવી સ્થિતિ બની છે. જ્યારે જે વૃક્ષો પર ચીકુ તૈયાર થયા એમાં ફળ તો મોટા થયા, પણ લાલ થવાને બદલે લીલા જ રહેતા પરિપક્વ થતા નથી. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેની સામે કૃષિ નિષ્ણાંતો યોગ્ય માર્ગદર્શનમાં ચીકુના વૃક્ષોની માવજત સાથે ફળ બચાવવાના પ્રયાસો કરવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ
વાડીમાં ચીકુ તૈયાર થયાનું જણાતા જ ખેડૂતો ચીકુ ઉતરાવી લે છે, પણ ઠંડી સાથે વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે ચીકુ યોગ્ય પ્રમાણમાં પરિપક્વ થઈ લાલ થવાને બદલે લીલા જ રહી જાય છે. જેથી બજારમાં વેપારીઓ ગુણવત્તાને ધ્યાને લઇ ચીકુ લેવા તૈયાર નથી થતા, સાથે જ ચીકુના ભાવ પણ ઓછા આંકતા ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી વેપારીઓ ચીકુની ખરીદી કરતા પણ અચકાઈ રહ્યા છે. નવસારીના ચીકુ મુંબઈ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગરે રાજ્યોમાં અને મોટા શહેરોમાં પહોંચે છે. જેનું ટ્રાન્સપોરર્ટેશન પણ મોંઘુ થતા અને યોગ્ય ગુણવત્તાના ચીકુ ન આવતા ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર ખેડૂતોને વેઠવી પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube