પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા: ખેડૂતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી આંબાવાડીમાં ઉગાડયા અનેક પાક
બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોએ પાકને બચાવવા વૈજ્ઞાનિક ભલામણો સાથે રાસાયણિક ખાતર તેમજ ઉભા પાક પર રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડે છે. ત્યારે જ પાક બચાવી શકાય છે, નહીં તો પાકમાં જીવાત તેમજ ફૂગજન્ય રોગ લાગવાનો ડર રહે છે.
ધવલ પરીખ/નવસારી: રાસાયણિક ખેતીને બદલે હવે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શનમાં નવસારીના કૂરેલ ગામના ખેડૂત મુકેશ નાયકે સાડાત્રણ એકર જમીનમાં 1800 કેસર અને તોતાપુરી કેરીના ઝાડ રોપી તેની સાથે આંતર પાક તરીકે વિવિધ શાકભાજી, અનાજ, કઠોળ, ફળ ઉગાડી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા કરી છે.
બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોએ પાકને બચાવવા વૈજ્ઞાનિક ભલામણો સાથે રાસાયણિક ખાતર તેમજ ઉભા પાક પર રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડે છે. ત્યારે જ પાક બચાવી શકાય છે, નહીં તો પાકમાં જીવાત તેમજ ફૂગજન્ય રોગ લાગવાનો ડર રહે છે. રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગમાં મોટો ભાગ ભજવે છે. જેથી રાસાયણિક ખેતી કરતા ઝેરમુક્ત પાક ઉગાડવાનો વિચાર લઈ નવસારીના કુરેલ ગામના ખેડૂત મુકેશ નાયકે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પૂર્વ વડા ડૉ. સી. કે. ટિંબડીયાના માર્ગદર્શનમાં તેમના સાડા ત્રણ એકડના ખેતરમાં બે વર્ષ અગાઉ સંપૂર્ણ ગૌ આધારિત ખેતીના લક્ષ્ય સાથે કેસર અને તોતાપુરી કેરીના 1800 ઝાડ રોપ્યા હતા.
જેની સાથે મુકેશ નાયકે આંતર પાકોમાં ઘઉં, જુવાર જેવા અનાજ, હળદર, મરચા, રાઈ, વરિયાળી જેવા મસાલા, કોબી, ટામેટા, ભીંડા જેવા શાકભાજી, દૂધી, ચીભડાં, કોળું, ટિંડોળા, કારેલા જેવા વેલાવાળા શાકભાજી, કેળા, જમરૂખ, જાંબુ, બોર, ફણસ જેવા ફળોનો પાક પણ લેવાનો પ્રયાસ કર્યો છે. પ્રાકૃતિક રીતે ગાયના છાણ અને ગૌ મૂત્રના ઉપયોગ થકી ઘનજીવામૃત, ગૌ કૃપામૃત વગેરેનો ખેતરમાં ઉપયોગ કરી ખેતી કરી છે. જેનો ફાયદો આ વર્ષે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેતરની ફરતે કોંક્રિટની દીવાલ બનાવવાને બદલે તેમણે વાંસમાંથી બાદ બનાવી છે, સાથે જ અળસિયા, ઘાસ વગેરે દ્વારા જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ભેજ પણ મળી રહે એવા પ્રયાસો કર્યા છે. જેના કારણે ખેતરમાં મધમાખી પણ વધુ જોવા મળે છે, જેથી પરાગનયનની ક્રિયા પણ યોગ્ય સમયે અને ઝડપી થાય છે.
મુકેશભાઈને બે વર્ષમાં જ પ્રાકૃતિક ખેતીના ફાયદા જોવા મળી રહ્યા છે. જેમાં કોબીના છોડમાં એકવાર કોબીજનો દળો કાઢી લીધા બાદ એ નકામો થાતો હોય છે, પણ અહીં એક છોડ પર ફરી કોબીજનો દળો બની રહ્યો છે. એજ પ્રમાણે જુવારમાં પણ ફૂટ સાથે બ્રાન્ચ જોવા મળી છે. જ્યારે હાલ ઠંડીના વાતાવરણમાં આંબા પર ફૂટેલી પુષ્કળ આમ્ર મંજરીમાંથી ફલીનીકરણની પ્રક્રિયા થતા નાના નાના મોરવા બની રહ્યા છે.
પરંતુ મુકેશભાઇને ત્યાં ફળ બની રહ્યા છે અને જેમાં પણ કેરીના ફળની ચામડી એકદમ ચોખ્ખી જોવા મળી છે, એકપણ ડાઘ જોવા મળ્યો નથી. સાથે જ ગત વર્ષે 20 ગુંઠા જગ્યામાં પકવેલી હળદરનો પાવડર કરી મુકેશભાઈએ 1 લાખ રૂપિયાની આવક મેળવી હતી. જ્યારે શાકભાજી, અનાજ અને ફળનો સ્વાદ પણ અલગ જ હોવાનો અનુભવ ખેડૂત મુકેશ નાયકે કર્યો છે. જેથી મુકેશભાઈનુ ખેતર પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા હોય એ પ્રકારે તમામ પાકોમાં સારૂ ઉત્પાદન દેખાઈ રહ્યુ છે.
રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી થકી જમીનમાંથી પૂરતા પોષક તત્વો સાથેનો પાક મળતો થાય તો માનવ શરીર બીમારીથી દૂર રહી શકે. ત્યારે સરકાર વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રયાસો કરે એજ સમયની માંગ છે.