Navsari News: આ રોડ બનાવ્યો છે કે મજાક? સાહેબ આ રોડનું કામ 10 વર્ષથી અધૂરું કેમ?
નવસારી શહેરમાં કંઈક આવું જ થયું છે. જ્યાં પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રિંગ રોડ બનાવ્યો છે. પરંતુ રોડના અધુરા કામને કારણે વાહન ચાલકો મહામુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ધવલ પરીખ/નવસારી: તંત્ર લોકોની સુખાકારી અને સુવિધા માટે વિકાસ તો કરે છે. પરંતુ એ વિકાસમાં તંત્રની અણઆવડતના એવા દર્શન થાય છે કે વિકાસ લોકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે. પુરતા આયોજન વગર કરવામાં આવેલી કામગીરીને કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. નવસારી શહેરમાં કંઈક આવું જ થયું છે. જ્યાં પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રિંગ રોડ બનાવ્યો છે. પરંતુ રોડના અધુરા કામને કારણે વાહન ચાલકો મહામુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
- રોડ પર ખાડા કે ખાડામાં રોડ?
- આ રોડ બનાવ્યો છે કે મજાક?
- ટ્રાફિક નિવારે છે કે પછી વધારે છે?
- કરોડો ખર્ચીને પણ રિંગ રોડથી મુશ્કેલી કેમ?
- જનતાના ટેક્સના પૈસાનું પાણી કેમ?
દક્ષિણ ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર એટલે નવસારી...આ જ શહેરની શોભા વધારવા અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાએ રિંગ રોડ બનાવ્યો છે. પરંતુ આ રિંગરોડની દશા કેવી છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. રિંગ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. રોડની દશા એટલી બિસ્માર છે કે અનેક વાહનો આ રોડ પર ચાલીને ખખડી જાય છે. એટલું જ નહીં ઠેર ઠેર પડેલા ખાડાને કારણે અવાર નવાર અકસ્માતનો પણ સતત ભય રહે છે. જનતાના ટેક્સના પૈસાનું પાણી કરનારા આ રોડથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
- તંત્રની અણઆવડતનો ઉત્તમ નમુનો રિંગરોડ
- 10 વર્ષનો સમય છતાં નથી પૂર્ણ થયું રોડનું કામ
- જે રોડ બન્યો છે તેના પર પણ અનેક ખાડા
- લેવલિંગ વગરના રોડ પર અનેક જગ્યાએ દબાણ
- ટ્રાફિક નિવારવા બનાવેલો રોડ ટ્રાફિક વધારી રહ્યો છે
- પ્રજાના પૈસાનું પાલિકાએ કરી નાંખ્યું પાણી
શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પાલિકાએ 10 વર્ષ પહેલા રિંગ રોડનું નિર્માણ કર્યું હતું. 850 મીટર લાંબો અને 80 ફુટ પહોળો રોડ બનાવવા માટે તૈયારી કરી પરંતુ 400 મીટર રોડ અધુરો રહી ગયો. જે આજદીન સુધી પૂર્ણ થઈ શક્યો નથી. જે રોડ બન્યો છે તેમાં 40 ફુટના એક તરફના રોડ પર આડેધડ પાર્કિંગ અને દબાણ થઈ ગયું છે. જેના કારણે તેનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી. જે કામ હજુ પૂર્ણ થઈ શક્યું નથી ત્યાં પાલિકાએ ફરી વિરાવળ નાકાથી પશ્ચિમમાં પ્રકાશ ટોકીઝ સુધી નવો રોડ બનાવવાનું શરૂ કર્યું છે. પરંતુ તે પણ બની શક્યો તો નથી જ...જે રોડ બન્યો છે તે અણઆવડતનો ઉત્તમ નમુનો સાબિત થઈ રહ્યો છે. કારણ કે ક્યાં રસ્તાનું લેવલિંગ કરાયું નથી. તંત્રની આ ખસ્તાહાલ કામગીરી સામે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે.
- તંત્રની અણઆવડતનો ઉત્તમ નમુનો
- પાલિકાએ 10 વર્ષ પહેલા રિંગ રોડનું નિર્માણ કર્યું હતું
- 850 મીટર લાંબો, 80 ફુટ પહોળો રોડ બનાવવા માટે તૈયારી કરી
- 400 મીટર અધુરો રોડ આજદીન સુધી પૂર્ણ થઈ શક્યો નથી
- 40 ફુટના એક તરફના રોડ પર આડેધડ પાર્કિંગ અને દબાણ
આયોજન વગરના આ રોડ પાછળ પાલિકાએ અત્યાર સુધી 8 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. પરંતુ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ નથી. હજુ એક રોડ તો સંપૂર્ણ પુરો કર્યો નથી અને બીજો રોડ બનાવવા શરૂ કરેલી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના પર અનેક સવાલ છે. ત્યારે આ મામલે જ્યારે અમે પાલિકાનો સંપર્ક કર્યો તો, ઉપપ્રમુખે કહ્યું કે, રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે રોડની કામગીરી અવરોધાઈ રહી છે. એન્જિનિયર સાથે ચર્ચા કરીને રોડના ખાડા પુરવાની ખાતરી પાલિકા હાલ તો આપતી જોવા મળી રહી છે.
- તંત્રની આયોજન વગરની કામગીરી
- આયોજન વગરના આ રોડ પાછળ પાલિકાએ 8 કરોડ ખર્ચ્યા
- કામગીરી 100 ટકા પૂર્ણ થઈ નથી
- એક રોડ તો પુરો કર્યો નથી અને બીજો રોડની કામગીરી શરૂ કરી
- ક્યારે પૂર્ણ થશે તેના પર અનેક સવાલ
નવસારીમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પશ્ચિમ જલાલપોરથી સીધા નેશનલ હાઈવે પર નીકળી જવાય તે માટે રિંગરોડ પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. પરંતુ પાલિકા શાસકોની આયોજન વગરની કામગીરી અને અણઆવડતને કારણે 10 વર્ષ પછી પણ રોડ અધુરો જ રહ્યો છે. ત્યારે અધુરો રોડ અને નવો રોડ ક્યારે પાલિકા પૂર્ણ કરી શકે તે જોવું રહ્યું.