Navsari News નિલેશ પટેલ/નવસારી : ફળોના રાજા કેરીનું બજારમાં વહેલું આગમન થયુ છે. વધુ પડતી ગરમીને કારણે કેરીના નાના ફળ પરિપક્વતાને આરે પહોંચતા મજબૂરીમાં ખેડૂતોએ તેને ઉતારી બજારમાં લાવવા પડ્યા છે, બીજી તરફ વહેલી શરૂઆતને કારણે ગત દિવસોમાં મણના 2500 ભાવ બોલાયા બાદ આવક વધતા હવે ધીરે ધીરે ભાવ 1600 આસપાસ પહોંચ્યા છે. પરંતુ ગરમીને કારણે વહેલી કેરી ઉતારતા ખેડૂતોને અને ફળ નાના રહી જતા વેપારીઓને નુકશાની વેઠવા પડે એવી સ્થિતિ બની છે. જોકે કેરીની આવક થતા જ કેરી રસીયાઓ વધુ ભાવે પણ સારી કેરી લેવા ઉતાવળા બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ વોર્મિગની અસરે ઋતુ ચક્રને ફેરવી નાંખ્યું છે. ફેબ્રુઆરી મહિનાથી જ ઠંડી સાથે ગરમી બેવડી ઋતુ અને એપ્રિલ મહિનામાં 40 ડીગ્રી સુધી તાપમાન પહોંચતા ખેતી પાકો પર મોટી અસર જોવા મળી છે. ખાસ કરીને વાદળછાયા વાતાવરણને કારણે ફળોના રાજા કેરીના પાકમાં ખરણ જોવા મળ્યું અને આકરા તાપને કારણે ઝાડ પર કેરીનું ફળ નાનું જ પાકી જવાથી તેને ઉતારી પાડવું ખેડૂતોની મજબૂરી બની છે. સાથે જ આંબાવાડીમાં ફળમાંખી અને મધિયો લાગી જવાને કારણે તથા ફૂગ જન્ય રોગ પણ કેરીની ગુણવત્તાને અસર પહોંચાડી રહ્યા છે. જોકે નાના ફળ તૈયાર થતા ખેડૂતોએ ઉતારીને બજારમાં લાવવાની શરૂઆત કરી છે, જેને કારણે સીઝન શરૂ થાય એના 15 દિવસ અગાઉથી જ નવસારી APMC માં કેરીની આવક શરૂ થઇ છે. જેમાં શરૂઆતના દિવસોમાં કેરીના પ્રતિ મણ 2500 રૂપિયા ભાવ રહ્યા બાદ હવે રોજના 1000 થી 1500 મણ કેરીની આવક થઈ રહી છે, જેથી પ્રતિ મણ કેરીનો ભાવ 900 થી 1690 રૂપિયાએ પહોંચ્યો છે. પરંતુ ખેડૂતોને કેરીની ગુણવત્તા આધારે ભાવ મળતા આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ કેરી ના ફળને MSP માં લેવામાં આવે અને વાતાવરણની અસરને જોતા છેલ્લા 15 વર્ષોમાં કેરી પકવતા ખેડૂતોને પડતા આર્થિક ફટકા સામે રક્ષણ આપવા સરકાર કરીને પ્રધાનમંત્રી વીમા યોજનામાં સમાવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.


ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી... ફરવા જવાના હોય તો ધ્યાન રાખો, નહિ તો ફેરો ફોગટ જશે


કેરીની સીઝન એપ્રિલ મધ્ય બાધ શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે 15 થી 20 દિવસ વહેલી સીઝન આકરી ગરમીને કારણે શરૂ થઈ છે. જેમાં સ્થાનિક ખેડુતોની કેસર, હાફુસ, લંગડો, તોતાપુરી, રાજાપુરી, સોનપરી જેવી જાતો બજારમાં આવી રહી છે. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીની પ્રખ્યાત રત્ના હાફુસ પણ નવસારી APMC માં જોવા મળી રહી છે, જે 5 ડઝનથી 7 ડઝનના પેકમાં મળી રહી રહ્યો છે. જેનો ભાવ 2500 થી 3500 સુધી રહ્યો છે. જેથી બજારમાં કેરીના નાના અને બગડી શકે અથવા વહેલા પાકે એવા ફળોનો ભાવ ઓછો અને મોટા ફળોનો સારો ભાવ મળી રહ્યો છે. જેની સાથે સૌરાષ્ટ્રીયન કેસર અને હાફૂસ પણ નવસારીની કેરીના ભાવ પર અસર પાડી રહી છે. જોકે વેપારી કેરીની આવકને લઈ ખુશ છે અને આ વખતે સારી આવક રહી તો કેરી રસીયાઓ મન ભરીને કેરી આરોગી શકશેનો આશાવાદ સેવી રહ્યા છે.


તલાટીની પરીક્ષા અંગે થઈ મોટી હલચલ, પરીક્ષા કેન્દ્ર અંગે થઈ આ ચર્ચા


ફળોના રાજાનું આગમન દરેકનાં મનને મોહી લેતું હોય છે, ત્યારે આ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થયેલી સીઝન કેરી રસિયાઓને ખુશ કર્યા છે, પણ આકરા તાપને કારણે આંબાવાડીઓમાં ઝાડ પર જ કેરી પાકી જવા સાથે નાના ફળ ખેડૂતો માટે ચિંતા વધારી છે, પરંતુ વેપારીઓ માટે કેરીની આવક વધુ થાય તો ચિંતા વધે એવી સ્થિતિ બની છે. જોકે બધા વચ્ચે કેરી રસિયાએ કેરીના ચટાકા કે મીઠાશ માટે ચોક્કસ વધુ ભાવ આપવા પડશે.