ધવલ પટેલ, નવસારી: ગુજરાતમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ માત્ર ખેડૂતો માટે જ આફત લઈને નથી આવતા.. હકીકતમાં કમોસમી વરસાદ સરકાર માટે પણ એક પ્રકારની સમસ્યા છે.. સરકાર હજુ તો માવઠાની નુકસાનીની સહાય ખેડૂતોને ચૂકવી ના રહી હોય ત્યાં ફરીથી માવઠું પડે છે જેના કારણે ફરીથી સર્વે કરાવીને સહાય ચૂકવવી પડે છે.. નવસારી જિલ્લાની વાત કરીએ તો માત્ર પાછોતરા વરસાદથી જ નુકસાનીનો ત્રણ વખત સર્વે થઈ ચૂક્યો છે પરંતુ, ખેડૂતોને કોઈ રાહત મળી નથી.. ખેતીવાડી વિભાગના સર્વેમાં નવસારી જિલ્લામાં 15 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન છે.. જુઓ આ રિપોર્ટ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બદલાતા વાતાવરણને કારણે છેલ્લા દસ વર્ષોમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા ઋતુચક્ર પાછળ ઠેલાતું હોય એવી સ્થિતિ બની છે.. જેના કારણે વરસાદની પેટર્ન પણ બદલાય છે.. આ ચોમાસુ સતત વરસાદ રહ્યો અને નવસારીએ ત્રણ વખત પુરનો સામનો કરવો પડ્યો.. જેમાં નદી કાંઠા સહિત વરસાદી પાણીના ભરાવાને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિના મળી, જિલ્લાના અંદાજે 700 ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.. 


ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાની સર્વે કરી, સરકારમાં રિપોર્ટ કરાયો અને સરકાર દ્વારા જાહેર કરેલા સહાય પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને અંદાજે કુલ 75 લાખ રૂપિયાની સહાય પણ ચૂકવાઈ છે.. પરંતુ ગત મહિને ઓકટોબરમાં ભારે પવન સાથે પડેલા પાછોતરા વરસાદે જેમ તેમ બેઠા થઈ રહેલા ખેડૂતોની કમર તોડી નાખી છે.. ડાંગર અને શેરડીનો પાક તૈયાર હતો જેની કાપણી જ કરવાની વાર હતી.. પરંતુ, વરસાદને કારણે ઉભો પાક લણવામાં ખેડૂતોને મુશ્કેલી પડી, જેનું પરિણામ પાકનું ઉત્પાદન ઓછું આવશે અને ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવો પડશે.. એક અનુમાન મુજબ ડાંગરમાં જે ખર્ચો કર્યો હતો એ પણ છૂટે કે કેમ એની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે..


આ પણ વાંચોઃ કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા


નવસારીમાં આ ચોમાસુ અતિવૃષ્ટિ સાબિત થયુ, ભારે વરસાદને કારણે ખેતીમાં મોટુ નુકશાન થયુ હતુ.. જ્યારે પાછોતરા વરસાદથી થયેલા નુકશાન મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો છે.. 


જેમાં જિલ્લામાં કુલ 51,175 હેક્ટરમાં થયેલા વિવિધ પાકોમાં 14,347 હેક્ટરમાં નુકશાની થઇ હતી. જેમાં 8,836.25 હેક્ટરમાં 33 ટકા નુકસાની સામે આવી હતી. ખેડૂતોને 15.02 કરોડ રૂપિયાની સહાય માટે ગુજરાત સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ગત જુલાઇ અને ઓગસ્ટમાં થયેલી ખેતી નુકસાનીમાં પણ કુલ 715 ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે કુલ 70 લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે..


ખુદ સરકારનો જ વિભાગ ઋતુચક્રની વિપરિત પરિસ્થિતિથી જગતના તાતની ચિંતા કરી રહ્યો છે.. પરંતુ, સૌથી મોટો સવાલ એ છેકે, ખેડૂતો આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળશે.