શિરડી જવા નીકળેલા શ્રદ્ધાળુઓને નવા વર્ષે અકસ્માત, 11 થી વધુ સાંઈ ભક્તો થયા ઘાયલ
Accident News : ગણદેવીના રહેજ ગામે વિચિત્ર અકસ્માત... બે બાઇક ચાલકે પગપાળા જતા 11થી વધુ ભક્તોને લીધા અડફટે
Navrsari News : નવસારીના ગણદેવી તાલુકાના રહેજ ગામે નવા વર્ષના દિવસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જતાં ભક્તોને બે બાઇક ચાલકોએ અડફેટે લીધા હતા. બે બાઈકની અડફેટે પગપાળા જતા 11 થી વધુ સાઈ ભક્તો ઘાયલ થયા હતા. ઘાયલ શ્રદ્ઘાળુઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
નવસારીના રહેજ ગામે શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ત્યારે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો તો અકસ્માત સર્જનાર બંને બાઈક ચાલકોની હાલત ગંભીર છે.
અકસ્માતની ઘટનાને લઈને ગણદેવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અકસ્માત બાદ ઘાયલોને ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત કરી હતી. ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલ ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.
બીલીમોરા ખાતે આવેલ ગુપ્તા હોસ્પિટલમાં ધારાસભ્યએ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી અને બનાવનો ચિતાર જાણ્યો હતો. આ અકસ્માતમાં કુલ 11 થી વધુ સાઈ ભક્ત ઇજાગ્રસ્ત થયા હતા. જેથી ધારાસભ્ય દ્વારા ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર આપવા માટે સૂચના આપી હતી.