ધવલ પારેખ, નવસારીઃ યોજનાઓ બનાવવાનું કામ સરકારનું હોય છે, જ્યારે યોજનાઓના અમલીકરણની જવાબદારી તંત્રના સિરે હોય છે. યોજનાના લાભ લોકોને મળતા હોવાના સરકાર દાવા કરી તો દે છે, પણ મોટાભાગના કિસ્સામાં કેવો ઘાટ સર્જાય છે, તેનો કિસ્સો નવસારીના વાંસદામાં સામે આવ્યો છે. જ્યાં તંત્રએ ભૌગોલિક સ્થિતિ અને વીજ કનેક્શનની મહિતી મેળવ્યા વિના જ નલ સે જલ યોજના લાગુ કરી દીધી, તેનું પરિણામ એ આવ્યું છે કે નળ તો છે, પણ તેમાં પાણી નથી આવતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પથરાળ જમીન હોવાથી 300 થી 500 ફૂટની ઉંડાઈએ પણ પાણી નથી મળતું. મહિલાઓએ માથે બેડા લઈને નદી, કોતર, હેન્ડપંપ કે કૂવામાંથી 2 કિલોમીટર સુધી ચાલીને પાણી લાવવું પડે છે. એમાં પણ પૂરતું પાણી નથી મળતું. આદિવાસી મહિલાઓ માટે નલ સે જલ યોજના આશાનું કિરણ બનીને આવી હતી. તંત્રએ ઘેર ઘેર નળ લગાવી પણ દીધા, જો કે નળનું પાણી સાથે મિલન નથી થઈ શક્યું.


આ પણ વાંચોઃ મોરબી નગર પાલિકા સુપરસીડ કરાઈ, અધિક નિવાસી કલેકટરને વહીવટદાર બનાવાયા


વાંસદાના ચોરવણી, નિરૂપણ, કણધા, વાંગણ, માનકુનીયા અને મોળાઆંબા સહિતના ગામોની ભૌગોલિક પરિસ્થિતિ સમજવામાં અધિકારીઓ થાપ ખાઈ ગયા. જેના કારણે એક વર્ષ પહેલા તૈયાર કરાયેલા બોર કાર્યરત નથી રહ્યા. ચોરવણી ગામમાં 600થી વધુ પરિવારો વસે છે, પણ તેમાંથી 50થી 60 ટકા મકાનો સુધી નળથી પાણી પહોંચ્યું જ નથી. વાસ્મોએ 15થી વધુ બોર બનાવીને, વીજ કનેક્શન સાથે મોટર મુકી પાણી ઘર સુધી પહોંચાડવાનું હતું. પણ વીજ કનેક્શનના અભાવે બોર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. જ્યાં વીજ કનેક્શન મળ્યું છે, ત્યાં બોરમાંથી માંડ બે પાંચ બેડા પાણી નીકળે છે. મકાનો એકથી દોઢ કિલોમીટરના અંતરે અને ઉંચાઈ પર હોવાથી પાણી પહોંચતું નથી. 


વાંસદા તાલુકાના 95માંથી 94 ગામોમાં નલ સે જલ યોજના માટે 28 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાકટરે કામમાં વેઠ ઉતારીને 6 ઇંચથી દોઢ ફૂટ ઉંડે પાઇપ નાંખ્યા છે. પાઈપની ગુણવત્તા પણ નબળી હોવાની ફરિયાદ ઉઠે છે. વીજ કંપનીના નિયમોને કારણે ઘણા કનેકશનો મળ્યા નથી. 


આ પણ વાંચોઃ ગુજરાતના અનેક જિલ્લામાં ફરી કોરોનાનો પગ પેસારો, એક દિવસમાં નવા કેસમાં મોટો વધારો


એટલે કે વાંસદામાં નલ સે જલ યોજનાના હેતુ સિદ્ધ નથી થયા. વાસ્મોની આળસને કારણે આદિવાસી મહિલાઓએ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. આ સ્થિતિ ફક્ત વાંસદા નહીં, પણ ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ છે. જો કે વાસ્મોના અધિકારી આ અંગે કંઈ બોલવા તૈયાર નથી.


હવે જોવું એ રહેશે કે સ્થાનિક ધારાસભ્ય આ બાબતે સરકાર સુધી રજૂઆત ક્યારે કરે છે અને લોકોની સમસ્યા ક્યારે દૂર થાય છે. કેમ કે ખરો ઉનાળો તો હજુ બાકી છે. કુદરત જ્યાં લોકોની પરીક્ષા લેતી હોય, ત્યાં લોકોની સમસ્યા દૂર કરવી એ સરકારની ફરજ બને છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube