NCB અને નેવીનું સંયુક્ત સૌથી મોટું ઓપરેશન 2 હજાર કરોડનું ડ્રગ્સ દરિયાઈ માર્ગે સપ્લાય થતા પકડ્યું
NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી 800 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ગુજરાતના મધદરિયેથી 529 કિલો હશિશ (ચરસ) અને 234 કિલો મેથાફેટામાઈન ( હેરોઇન ) ઝડપી પાડ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી 800 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ગુજરાતના મધદરિયેથી 529 કિલો હશિશ (ચરસ) અને 234 કિલો મેથાફેટામાઈન ( હેરોઇન ) ઝડપી પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર NCB દ્વારા જે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2000 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. મહત્વનું છે કે મધદરિયેથી પકડાયેલ આ કન્સાઈનમેન્ટ પ્રથમવાર મોટી માત્રના જથ્થા સાથે પકડવામાં આવ્યું છે. જોકે આ ઓપરેશન માં ભારતીય નૌકાદળ અને NCBની સંયુક્ત ટીમે કામગીરી કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીની વાત માનીએ તો આ પ્રકારનું દ્રગ્સ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી હતી જેના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે તે પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારતની દરિયાઇ સીમાનો ઉપયોગ બીજા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં માટે વધ્યો છે. ત્યારે આ કેસમાં કેટલાય ડ્રગ્સ માફિયાઓની કમર તૂટી હોવાનું મનાઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાઈ કિનારાને ગેટ વે બનાવી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. એટલુંજ નહિ જાન્યુઆરી 2020માં માછીમારી બોટમાંથી 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા હતા. તો એપ્રિલ 2021માં 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઈન સાથે આઠ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. ત્યારે ગુજરાત ATS પણ આવા અનેક કન્સાઈનમેન્ટ દરિયાઈ સીમા માંથી પકડ્યા છે. ત્યારે હાલમાં પકડાયેલ આ ચરસ અને હેરોઇન ના જથ્થા બાદ ડ્રગ્સ માફિયાઓના મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube