એનડીડીબી પૂરગ્રસ્ત કેરાલાને રૂ. બે કરોડનુ દૂધ અને પશુઆહાર પૂરો પાડશે
એક લાખ જેટલા સ્ટરાઈલ કરાયેલા ટોન્ડ દૂધના પેકનો જથ્થો રવિવારે સવારે થ્રીસૂર અને કોઝીકોડ જીલ્લામાં પહોંચી ગયો છે.
આણંદ : નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) કેરાલા સરકાર અને રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાથે હાથ મિલાવીને કેરાલાના પૂરગ્રસ્ત લોકોને સહાયરૂપ થશે. એનડીડીબી દ્વારા કુલ રૂ. 2 કરોડની રાહત સમગ્રીની ગોઠવણ કરવામાં આવી છે.
કેરાલાના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં એનડીડીબીના ચેરમેન દિલીપ રથે માહિતી આપતાં જણાવ્યું છે કે એક લાખ જેટલા સ્ટરાઈલ કરાયેલા ટોન્ડ દૂધના પેકનો જથ્થો રવિવારે સવારે થ્રીસૂર અને કોઝીકોડ જીલ્લામાં પહોંચી ગયો છે. આ સીંગલ સર્વ 180 મી.લી.ના પેક એસેપ્ટીક પેકીંગ કરાયેલા દૂધને ઉકાળ્યા કે ગરમ કર્યા વગર સીધુ ઉપયોગમાં લઈ શકાશે. 3.5 ટકા ફેટ કન્ટેન્ટ ધરાવતુ આ દૂધ 8.5 ટકા જેટલુ સોલીડ-નોટ-ફેટ કન્ટેન્ટ ધરાવે છે.
આ મિલ્ક પેક સમતોલ પોષણનો સારો સ્ત્રોત બની રહેશે. આગામી થોડા દિવસમાં એનડીડીબી આવાં 10 લાખથી વધુ પેક રાજ્યની રાહત છાવણીઓમાં રહેલા લોકોને પૂરાં પાડશે. આ પેકસ દક્ષીણ કન્નડ મિલ્ક યુનિયનના મેંગલોર ખાતેના પ્લાન્ટમાંથી મેળવવામાં આવ્યાં છે.
કેરાલાના કેટલાક વિસ્તારમાં ડેરી ક્ષેત્રના ખેડૂતો પશુઆહાર અને ઘાસચારાની ભારે તંગી અનુભવી રહ્યા છે. દૂધાળાં ઢોરને ટૂંકા ગાળા માટે પણ અપૂરતુ પોષણ મળે તો તેમના આરોગ્યને માઠી અસર થાય છે અને લાંબા ગાળે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ પરિસ્થિતી હલ કરવા માટે એનડીડીબી 500 મે. ટન (50 કીલોગ્રામની એક એવી 10,000 બેગ) પશુઆહાર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાવી રહી છે. આ પૂરવઠામાંથી 46 મે. ટનનો પ્રથમ જથ્થો કર્ણાટક મિલ્ક ફેડરેશનના હાસન ખાતેના કેટલ ફીડ પ્લાન્ટમાંથી મેળવવામાં આવ્યો છે અને તે વાયનાદ જીલ્લામાં પહોંચી ગયો છે અને વિતરણ માટે તૈયાર છે.
રથે મુખ્યપ્રધાનને માહિતી આપી હતી કે એનડીડીબી તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઈન્ડીયન ઈમ્યુનોલોજીકલ્સ લિમિટેડ મારફતે રૂ. 5 લાખની કીંમતની વેટરનરી દવાઓની ગોઠવણ કરી રહી છે. તેમણે માહીતી આપી હતી કે આશરે ડઝન જેટલા ડેરી બોર્ડના ઓફિસરો રાહત સામગ્રી મેળવીને વિતરણ કરવાની કામગીરીમાં લાગી ગયા છે. તે રાજ્ય સરકાર અને રાજ્યમાં આવેલી ડેરી સહકારી મંડળીઓના અધિકારીઓના ઘનિષ્ઠ સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે.
એનડીડીબીના ચેરમેને એવો નિર્દેશ આપ્યો હતો કે કેરાલામાં રાજ્ય બહારથી રાહત સામગ્રી મોકલવા માટે ટ્રાન્સપોર્ટર્સ મોકલવાનુ કામ ખૂબ જ કપરૂ બની રહ્યું છે તેમણે આ બાબતે કેરાલાના મુખ્ય પ્રધાનની મદદ માગી હતી. એવી અપેક્ષા છે કે એનડીડીબી રાજ્યના વિવિધ ભાગોમાં રાહતસામગ્રી અંદાજે આગામી એક સપ્તાહમાં પહોંચતી કરશે.
કુદરતી આફતનો વ્યાપ પારખીને એનડીડીબીના તમામ કર્મચારીઓએ કેરાલાના પૂરગ્રસ્ત લોકો માટે પોતાના પગારમાંથી ટોકન રકમનુ દાન કરવાનો નિર્ણય કર્યો છે. એનડીડીબીએ રાજ્યના વિવિધ સહયોગીઓ સાથે મળીને કેરાલાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવાની નિષ્ઠાનો પુનરૂચ્ચાર કર્યો છે.