વાડજમાં 3 વર્ષની બાળકી બની હવસનો ભોગ, નરાધમે કર્યા શારીરિક અડપલા
જો કે ત્યારબાદ બાળકીને સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત માસૂમ બાળકી નરાધમ હવસખોરની હવસનો ભોગ બની છે. શહેરના વાડજમાં ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે એક નરાધમે શારીરિક અડપલા કરતાં જ ચકચાર મચી ગઇ છે. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસએ આરોપીની જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સમગ્ર રાજ્યમાં માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેને લઇને લોકો દ્વારા સખત વિરોધ પ્રદર્શન પણ થયા હતા. તેમ છતાં કેટલાક હવસખોરો છે તેમની આંખો હજી પણ ખુલતી નથી. શહેરમાં બાળકી સાથે શારિરિક અડપલાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની બાળકી તેના ભાઇ સાથે નાસ્તો લેવા માટે ગઇ હતી.
આ દરમિયાન તેની જ નજીકમાં રહેતા અમર સોલંકી નામનો શખ્સ તેને તેના ઘરમાં લઇ ગયો હતો અને દરવાજો બંધ કરીને શારિરક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. જો કે બાળકીની સાથે રહેલા તેના ભાઇએ બાળકીને આરોપી અમર તેની રૂમમાં લઇ ગયો હોવાની જાણ બાળકીની માતાને કરતાં જ તેઓ તાત્કાલિક રૂમ પર પહોચ્યાં હતા અને બાળકીને ઘરે લઇ ગયાં હતાં.
જો કે ત્યારબાદ બાળકીને સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે આરોપીને આ બાબતની જાણ થતાં જ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો અને બાળકીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસએ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરતાં જ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી અમર સોલંકી નારોલમાં ટાયર કટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને બાળકીને સારવાર માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે આ કેસમાં આરોપીને યોગ્ય સજા થાય તે માટે કાયદામાં કરાયેલા સુધારા મુજબ IPCની કલમ ૩૭૬ એબી પણ લગાડી છે. જે કાયદા મુજબ 20 વર્ષની સજાની જોગવાઈ છે.