ભાજપને ભ્રમમાં રાખવા કોંગ્રેસનો ઉલ્ટો દાવ! વાવ પેટાચૂંટણીમાં ચાર-ચાર ઉમેદવારો ભરશે ફોર્મ
છેલ્લા સમય સુધી ભાજપને કોંગ્રેસના ઉમેદવારની ખબર ના પડે એના માટે કોંગ્રેસે ચાર દાવેદારોને ફોર્મ ભરવા સૂચના આપી છે. જેમાં રાજપુત સમાજના ગુલાબસિહ રાજપૂત, ઠાકોર સમાજના ભાવાજી ઠાકોર, માલધારી સમાજના ઠાકરશી રબારી અને ગઢવી સમાજના કેપી ગઢવીને ફોર્મ ભરવાની સુચના અપાઇ છે.
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ દરેક રાજકીય પાર્ટીએ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. ભાજપે પોતાના કાર્યાલયની શુભારંભ કરી દીધો છે. તો કોંગ્રેસમાં કેટલાક દાવેદાર રિસાયા હોવાની વાતો સામે આવી છે. ભાજપે ખાસ રણનીતિ બનાવી પરંતુ કોંગ્રેસ અને AAP વચ્ચે કંઈક એવું રંધાયું છે કે નવેસરથી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. હવે એક મોટી વાત સામે આવી રહી છે. વાવ બેઠક પર કોંગ્રેસે એક રણનીતિ અપનાવી છે. ભાજપને ગુમરાહ રાખવા કોંગ્રેસે નવી રણનીતિ ઘડી છે.
આ બેઠક પર ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. છેલ્લા સમય સુધી ભાજપને કોંગ્રેસના ઉમેદવારની ખબર ના પડે એના માટે કોંગ્રેસે ચાર દાવેદારોને ફોર્મ ભરવા સૂચના આપી છે. જેમાં રાજપુત સમાજના ગુલાબસિહ રાજપૂત, ઠાકોર સમાજના ભાવાજી ઠાકોર, માલધારી સમાજના ઠાકરશી રબારી અને ગઢવી સમાજના કેપી ગઢવીને ફોર્મ ભરવાની સુચના અપાઇ છે. બીજી બાજુ ભાજપે પણ આ દાવ ખેલ્યો છે. 13 નવેમ્બરે વાવ બેઠકની પેટાચૂંટણીનો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે, કોંગ્રેસમાંથી વાવ બેઠક માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ છે, પરંતુ ભાજપ માટે ઉમેદવારની પસંદગી જટિલ બની છે, જી હાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપમાં 54 લોકોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે હવે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 54 દાવેદારો સાથે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે બેઠક કરી. કોને ટિકિટ મળે છે તેની પર સૌ કોઈની નજર છે. ઉમદેવારનું નામ જાહેર થયા પછી અંદર અંદર વિરોધ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
- વાવમાં કોણ મારશે બાજી?
- ભાજપની રણનીતિ નહીં આવે કામ?
- કોંગ્રેસ માટે છે કપરાં ચઢાણ?
- શું છે વાવ વાસીઓના મનમાં?
- કોંગ્રેસ-AAP વચ્ચે શું રંધાયું?
2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોરની જીત બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણીનો બરાબર જંગ જામ્યો છે. દરેક રાજકીય પાર્ટી પોત પોતાની જીતના દાવા કરી રહી છે. ભાજપે વાવ જીતીને એક અલગ સંદેશ આપવા માટે ખાસ રણનીતિ બનાવી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અને આપ વચ્ચે કંઈક એવું થયું કે જેના કારણે ભાજપ વિચારતું થઈ ગયું છે. હા, સંભાવના એવી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાવ જીતવા માટે ગઠબંધન થઈ ગયું છે. જો કે તેની સત્તાવાર જાહેરાત થઈ નથી. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી તો તેમણે આ ગંઠબંધનના સ્પષ્ટ સંકેત આપ્યા.
લોકસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. આ ગઠબંધન અંતર્ગત ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવામાં આવી હતી જ્યારે બાકીની તમામ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડ્યું હતું. જો કે આ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પુરતુ જ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ ફરી એકવાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ફરી એકવાર કોંગ્રેસ અને આપ સાથે આવી રહ્યા છે. ઈસુદાનનો દાવો છે કે લોકો ભાજપથી કંટાળ્યા છે. અને ભાજપને ઓળખી ગયા છે. ભાજપને રોકવું અમારુ લક્ષ્ય છે તેથી વોટની વહેંચણી ન થાય તે પણ જરૂરી છે.
2022માં ઐતિહાસિક 156 બેઠક જીતનારુ ભાજપ વાવ જીતવા તનતોડ મહેનત કરી રહ્યું છે. OBC ઠાકોર સમાજના દબદબાવાળી વાવ બેઠક વટનો સવાલ બની ગઈ છે. વાવમાં કંઈ પણ કરીને ભાજપે બાજી મારવી છે અને લોકસભાનો બદલો લેવો છે. તો કોંગ્રેસને કંઈ પણ થાય પણ વાવ નથી ગુમાવવી. પરંતુ આ વખતે મુકાબલો રસપ્રદ રહેવાનો છે એ નક્કી છે. 2022ની ચૂંટણીમાં તો આપ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી. આ વખતે મુકાબલો કદાચ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ ખેલાય તેવું લાગી રહ્યું છે. ભાજપે પોતાના ચૂંટણી કાર્યાલયને પણ ખુલ્લી મુકીને રણમેદાનમાં પોતાની વિશિષ્ઠ હાજરી બતાવી દીધી છે.
- વાવમાં 13 નવેમ્બરે મતદાન, 23એ પરિણામ
- કોંગ્રેસ અને AAP વચ્ચે થઈ ડીલ!
- ગઠબંધનમાં લડશે કોંગ્રેસ-AAP!
- 25 ઓક્ટોબર ઉમેદવારીનો છેલ્લો દિવસ
- ભાજપ અને કોંગ્રેસ માટે જીત જરૂરી કેમ?
હવે તમે બન્ને માટે જીત જરૂરી કેમ તે તમે જાણી લો...કોંગ્રેસ માટે વાવમાં જીત મળે તો હેટ્રિક કહેવાય...જ્યારે ભાજપ માટે જીત બનાસકાંઠા લોકસભામાં મળેલી હારનો બદલો કહેવાય, કોંગ્રેસને જીત મળે તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત હોવાનો સંદેશ મળે, ભાજપને જીત મળે તો લોકસભા ભલે કોંગ્રેસ જીતી પણ વાવની જનતા ભાજપ સાથે હોવાનો સંદેશ જાય, કોંગ્રેસની જીતથી ગેનીબહેન ઠાકોરનું કદ મોટું થઈ જાય, જ્યારે ભાજપને જીત મળે તો ભાજપના સભ્ય નોંધણી અભિયાનનું ફળ મળ્યું કહેવાય, જો કોંગ્રેસને હાર મળે તો ગઢ ગુમાવ્યો તેમ કહેવાય, જ્યારે ભાજપને હાર મળે તો જનતાએ સતત ત્રીજી વખત નકાર્યા તેવું કહેવાય..
ઠાકોર અને ચૌધરી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકમાં વાવ, ભાભર અને સુઈગામ મળી ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વાવમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે 25 ઓક્ટોબર છેલ્લો દિવસ છે. 25 તારીખે વાવના ઉમેદવાર વાજતે ગાજતે વિજયમુર્હૂતમાં ઉમેદવારી નોંધાવશે ત્યારે જોવું રહ્યું કે, છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક પર આ વખતે વાવથી કોણ ગાંધીનગર પહોંચે છે?