ઝી મીડિયા/બ્યૂરો :કચ્છની ધરતી રહસ્યોથી ભરેલી છે તેવુ હવે વૈજ્ઞાનિકો પણ જાણી ગયા છે. ત્યારે એક રસપ્રદ રિસર્ચમાં મોટો ઘટસ્ફોટ થયો છે. છ સંસ્થાએ સાથે મળીને કરેલાં રિસર્ચમાં કચ્છની જમીનની મંગળ ગ્રહ સાથેની એક વાત સામે આવી છે. કચ્છમાં પાંચ સાઈટ એવી છે જે મંગળ ગ્રહની ધરતી સાથે સામ્યતા ધરાવે છે. બીજું એ કે, કચ્છની ધરતીનો અભ્યાસ કરીને એ જાણી શકાશે કે મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ. ત્યારે હવે વૈજ્ઞાનિકોની નજર કચ્છ પર પડી છે, દુનિયાભરના વૈજ્ઞાનિકો આ રહસ્યો શોધવા મથી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ તે શોધવા દરેક દેશે પોતાની ટીમ મોકલી છે. પરંતુ હજુ સુધી ત્યાં જીવન શક્ય છે કે નહિ તે ઉકેલી શકાયુ નથી. હજી પણ રિસર્ચ ચાલી રહ્યુ છે, જે ખર્ચાળ અને સમય માંગે તેવુ છે. કારણ કે, તેના માટે પૃથ્વી પરથી કરોડો માઈલ દૂર મંગળ ગ્રહની સફર કરવી પડે છે. પરંતુ હવે પૃથ્વી પર જ રહીને આ રિસર્ચ શક્ય બન્યુ છે. કચ્છમાં રિસર્ચ દરમિયા પાંચ સાઈટ એવી મળી આવી છે જે હૂબહૂ મંગળ ગ્રહની ધરતી સાથે સામ્યતા ધરાવે છે. આ સાઈટ હવે મંગળ ગ્રહનો ભેદ ઉકેલી શકશે.


કચ્છની આ 5 જગ્યા છે મંગળ ગ્રહ જેવી 
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. સુભાષ ભંડારીએ ઈસરોને આ વાતની જાણ કરી છે. તેમણે ઈસરોના મિશન માર્સમાં સૂચવ્યુ કે, કચ્છમાં જ એવી જગ્યાઓ છે જે મંગળ ગ્રહને મળતી આવે છે. ત્યારે રિસર્ચને મંજૂરી મળતા જ કામ શરૂ કરાયુ હતું. તપાસ કરતા પાંચ સાઈટ મળી આવી છે, જે આબેહૂબ મંગળ ગ્રહને મળતી આવે છે. જેમાં ધીણોધાર પર્વત, માતાનો મઢ, ધોરડો સફેદ રણ, લુના લેક અને લૈયારી નદીનો સમાવેશ થાય છે.


કચ્છ અને મંગળની સામ્યતા


  • મંગળ ગ્રહ ઉપર ધરતીકંપ આવે છે અને કચ્છમાં પણ ધરતીકંપ આવે છે

  • મંગળ ઉપર જે આકારનો જ્વાળામુખી છે તેવા આકારનો જ જ્વાળામુખી ધીણોધાર પર્વત છે. ધીણોધાર પર્વત એક સુષુપ્ત જ્વાળામુખી છે

  • માતાના મઢમાં મંગળ જેવુ જ લાલ ખનીજ છે. આ એલ્યુનાઈટ ખનીજ મંગળ પર પણ છે, અને તે પૃથ્વી પર ભાગ્યે જ મળે છે

  • હજીરાથી બે કિમી દૂર આવેલ લુના લેક મંગળના ખાડા સાથે મળતુ આવે છે. અહીંના કાંપ અને મંગળ પરના કાંપમાં સામ્યતા છે

  • મંગળ પર જે બ્લૂબેરી સ્ટ્રક્ચર છે તે લૈયારી નદી જેવુ છે. બ્લૂબેરી સ્ટ્ર્ક્ચર એટલે નાના ગોળાકાર કાળા પત્થરો


આ પહેલા પણ ઈસરોના વિજ્ઞાની શતાદ્રુ ભટ્ટાચાર્ય આ વિષય પર રિસર્ચ કરી ચૂક્યાં છે. ત્યારે હવે આ રિસર્ચ આગળ વધ્યું છે. જો આ પાંચ સાઈટ પરથી મંગળ ગ્રહનું રહસ્ય શોધી શકાશે તો એમ કહી શકાય કે કચ્છની ધરતી ખાસ છે.