ઉમેશ પટેલ/વલસાડ :ન્યૂ યરની ઉજવણીને લઈને ગુજરાતની પોલીસ એલર્ટ મોડ પર છે. દરેક જિલ્લાની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયુ હતું. ત્યારે વલસાડ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ હતી. જેમાં 8 નબીરાઓ પકડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં 31 ડિસેમ્બરની રાત્રે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર વલસાડ સિટી પોલીસે છાપો માર્યો હતો. વલસાડ પોલીસે 31 ડિસેમ્બરની રાત્રે મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓ અને વેપારીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડના સેગવી ખાતે બંગલામાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ ચાલતી હતી. નબીરાઓની મોંઘીદાર દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. વલસાડ સિટી પોલીસે 8 જેટલા નબીરા અને વેપારીઓને દારૂ પાર્ટીમાં ઝડપી પાડ્યા હતા. વલસાડના નામાંકિત કાપડના અને મોબાઈલના વેપારીઓ પણ આ મહેફિલમાં સામેલ હતા. પોલીસે દારૂ અને મોંઘીદાટ કાર અને તમામના મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તાપસ હાથ ધરી છે. 


વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોનાકાળ ને લઈને 11 વાગ્યા થી કરફ્યુની અમલવારી શરૂ થઈ જતી હોવાથી તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને બહાર નીકળતા લોકોને રોકવા રાત્રિ દરમ્યાન મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવા વર્ષની ઉજવણી કરવા નીકળેલા લોકોનું ચેકિંગ શરૂ કર્યું હતું. કોઈ નશો કરીને નીકળ્યા છે કે કેમ એ જાણવા પોલીસે તમામ વાહનો રોકી બ્રેથ એનેલાઇઝર દ્વારા લોકોની તપાસ હાથ ધરી હતી.



સુરત એડિશનલ DGની સૂચના અને માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુઈયર પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા પિયક્કડોને ઝડપી પાડવા આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર 24 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના 13 પોલીસ મથકોમાં શુક્રવારે વાહન ચેકીંગ દરમ્યાન 835 લોકોને દારૂના નશામાં વલસાડ જિલ્લામાં પ્રવેશતાં ઝડપી પાડ્યા હતા.